વલસાડ: જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં મંગળવારના રોજ વધુ 19 જેટલા કોરોના પોઝિટિવ કેેેસ નોંધાતા જિલ્લામાં કોરોના આંક 809 પર પહોંચ્યો છે.
મંગળવારના રોજ નોંધાયેલા 19 કેસમાં વલસાડ તાલુકામાં 5, પારડીમાં 2, વાપીમાં 8, ઉમરગામ તાલુકામાં 2, ધરમપુરમાં એક, કપરાડામાં 3, આમ કુલ 19 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે આ કોરોના પોઝિટિવમાં 11 પુરુષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં વલસાડ જિલ્લામાં કુલ 144 જેટલા લોકો કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અત્યાર સુધીમાં 578 જેટલા લોકોએ કોરોનાને હરાવીને સાજા થઇ જતા તેમને રજા આપી દેવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 9,668 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 8,859 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે 809 જેટલા સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 366 જેટલા લોકો હોમ કોરેન્ટાઈન છે. જેમાં 255 લોકો પોતાના ઘરમાં, 57 લોકો સરકારી ફેસિલિટીમાં, જ્યારે 54 લોકો ખાનગી સવલતોમાં હોમ કોરેન્ટાઇન છે.
કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં 36 જેટલા ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ડોર ટુ ડોર સર્વે તેમજ જન સંપર્ક કરીને લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને કોરોનાના લક્ષણ ધરાવનાર લોકોની ઓળખ થઇ શકે અને તેવા લોકોને તાત્કાલિક સારવાર આપી શકાય છે.