કાચા ઘરમાં ચૂલામાંથી તણખો ઉડતા આદિવાસી પરિવારનું આખું ઘર સ્વાહા
ઘરવખરી, સામાન, અનાજ સહિત તમામ ચીજો આગમાં ખાખ
સ્થાનિકો અને રાજકીય આગેવાનો આગળ આવે એ જરૂરી
વલસાડ: કપરાડા તાલુકાના કરચોંડ ગામે કોટબી ફળિયામાં રહેતા રતનભાઈ લાડકભાઈ કાકરાના ઘરમાં બપોરના સમયે ઘરમાં રસોઈ બનાવતી વેળાએ ચૂલામાંથી સળગતી આગનું તણખલું લાગી જતાં આગ લાગી ગઈ હતી. જોત-જોતામાં આગે વરવું સ્વરૂપ ધારણ કરતા આખું ઘર આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું.
આદિવાસી પરિવાર ઘર વિના બેઘર અને નિઃસહાય બન્યો
આગ લાગવાના કારણે ઘરની તમામ ઘરવખરી સામાન તેમજ અનાજ, કઠોળ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ઘરમાં આગ લાગવાથી ઘરનો મોભી ચિંતાતુર બન્યો છે. ત્યારે ઘરના મોભી ઉપર આવી પડેલી આફતમાં ગ્રામજનો તેમજ રાજકીય નેતાઓ સહભાગી બની મદદરૂપ થાય તે જરૂરી છે.
આદિવાસી પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે
રતનભાઈ લાડકભાઈ કાકરાનો સામાન્ય પરિવાર છે. જેમના દ્વારા માત્ર ખેતીકામ કરી ગુજરાન ચલાવવામાં આવે છે. ત્યારે અચાનક બનેલી આ હોનારતને કારણે પરિવારનું રહેઠાણ આગમાં ખાખ થઈ ગયું. સાથે ઘરવખરી અને અનાજ તેમજ સામાન પણ આગમાં ખાખ થઈ જતા પરિવાર પર આફત આવી પડી છે. ત્યારે આવા સમયે અગ્રણીઓ અને રાજકીય આગેવાનો આવા પરિવારની મદદમાં આવે એ જરૂરી છે.