- વાપી કોર્ટમાં અસલી આરોપીને બચાવવા નકલી આરોપી રજૂ કરતા ફરિયાદ નોંધાઇ
- નામદાર કોર્ટે વકીલ સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધવા હુકમ કર્યો
- અસલી-નકલીનો ખેલ પાડનાર વકીલ જગત પટેલ સામે ફરિયાદ
- વાપી સિનિયર સિવિલ કોર્ટે વકીલ સહિત 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વાપી: વાપી ટાઉન પોલીસમાં વાપીના જાણીતા વકીલ જગત પટેલ સામે આરોપી નઝીર એહમદ કલનના સ્થાને નજીર જેનુલ્લા ચૌધરી નામના શખ્સને બનાવટી આરોપી તરીકે રજૂ કરી ગંભીર ગુનો કરતાં વાપી કોર્ટ દ્વારા વકીલ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓ સામે નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી ન્યાયિક કાર્યવાહીમાં ગંભીર પ્રકારનો ગુનો આચરતી ફરિયાદ નોંધાતા જિલ્લાના વકીલોમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો: સોમનાથ મંદિર વિશે બફાટ કરનારા યુવકને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે
વકીલ સહિત ત્રણેય શખ્સો દોષિત
આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ વાપીના રજિસ્ટ્રાર ભારતીબેન પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ નજીર જેનુલ્લા ચૌધરી નામના શખ્સને ક્રિમિનલ કેસ નંબર -25364/2019 09 માર્ચ 2020 ના મૂળ આરોપી નજીર એહમદ કલનના સ્થાને વકીલ જગત પટેલે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જગત પટેલે આરોપીઓ સાથેના મેલપણામાં આ કાવતરું ઘડીને ચાલુ કોર્ટ કાર્યવાહીમાં સાચા આરોપીને બદલે બનાવટી આરોપી રજૂ કર્યો હતો. જેમાં કોર્ટને શંકા જતા આરોપીઓના ઓળખ પુરાવાના આધારે તપાસ કરતા વકીલ સહિત ત્રણેય શખ્સો દોષિત ઠર્યા હતાં.
આ પણ વાંચો: 11 મહિના બાદ ફિઝિકલ કોર્ટ શરૂ થતા સુરતના વકીલોમાં ખુશી
વકીલે કોર્ટને ગેરમાર્ગે દોરી ન્યાયિક કાર્યવાહીમાં ગંભીર પ્રકારનો ગુનો આચર્યો
ફરિયાદના કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ વકીલ જગત પટેલે આરોપીઓને નામદાર કોર્ટમાં ઓળખે નહી અને પોતે કેસમાં આરોપીને સજામાંથી બચાવવાના ઈરાદે નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી ન્યાયિક કાર્યવાહીમાં ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. જે અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં વકીલ સહિત મૂળ આરોપી અને તેના બદલે રજૂ થયેલા આરોપીઓ એમ ત્રણ શખ્સો વિરૂદ્ધ IPCની કલમ-192, 193, 205, 419, 120(B) ગુનો નોંધી તપાસ કરવા જણાવતા વાપી ટાઉન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના આધાર પુરાવામાં ભાંડો ફૂટ્યો
આ સમગ્ર ઘટના એ વખતે પ્રકાશમાં આવી હતી, જ્યારે બે પંચોની જુબાની બાદ ફરિયાદીની શરતપાસ અને ઉલટ તપાસ દરમિયાન પબ્લીક પ્રોસ્ટિટ્યુટર એ. પી. ખંભાતીને હાજર આરોપીની ઓળખ અંગે શંકા ગઈ હતી. તેથી આરોપીની ઓળખ અંગે ચકાસણી કરવા નામદાર કોર્ટ રૂબરૂ હાજર આરોપીના આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કર્યા હતા. જેમાં મૂળ ફોજદારી કામમાં જે સાચા આરોપી છે તેની સાથે સરખાવતાં વિરોધાભાસ સામે આવ્યો હતો.
નકલી આરોપી અંગુઠા છાપ હતો
આ ઉપરાંત આરોપીને પોતાની ઓળખ માટે સહી કરવાનું કહેતા તે અંગૂઠો મારે છે તેવું જણાવ્યું હતું. જ્યારે ફોજદારી કામમાં વકીલ પત્ર અને આરોપીની પ્લી વગેરે પર આરોપીની સહી હતી તેમજ ફોજદારી કામમાં જે સાચા આરોપીનો ફોટો છે, તેના બદલે હાજર આરોપી અલગ દેખાતો હતો. જે બનાવ નામદાર કોર્ટની કાર્યવાહી દરમિયાન બનેલા હોવાથી નામદાર કોર્ટ દ્વારા પ્રાથમિક તપાસ કરતાં નામદાર કોર્ટને ઉપરોક્ત તમામ હકીકત ધ્યાને આવી હતી.
હાલ ત્રણેય આરોપીઓ પોલીસ પકડથી દૂર
ઉલ્લેખનીય છે કે, જેમની સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તે વકીલ જગત પટેલ અને બંન્ને આરોપીઓ સહિત ત્રણેય શખ્સો હાલ પોલીસ પકડથી દૂર હોય તેમને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો, વકીલ જગત પટેલ પર અન્ય ગુના પણ નોંધાઇ શકે છે તેવી વિગતો સૂત્રો તરફથી મળી હતી.