વલસાડ : વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શુક્રવારે 10 વાગ્યા આસપાસ ગોલ્ડ કોઈન સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ કિરીટ સાહેબ રાવ અન્ય પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ અને ટીઆરબી જવાનો સાથે ટ્રાફિકની ફરજ નિભાવી રહ્યા હતાં.
તે દરમિયાન દમણ તરફથી આવતા બાઈક નંબર GJ-15-DC-6703ના ચાલક સૌરભ બૃહસ્પિ ઉપાધ્યાય અને તેની પાછળ બેસેલ નીરજ સંતોષ ત્રિપાઠીના બાઇકને રોકી લાયસન્સ, બાઇકના કાગળો અને હેલ્મેટ ન પહેર્યું હોવાથી મેમો ભરવા ફરજ પાડતા બંને યુવકોએ ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હતી. તેમજ યુવકોએ રસ્તાની વચ્ચોવચ બાઇક પાર્ક કરી જાહેર રોડ ઉપર પોલીસે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. તેવી બૂમાબૂમ કરી પોલીસની ટ્રાફિક કામગીરીનો વિડીયો રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું.
ટ્રાફિક પોલીસે બાઇક ચાલક યુવકને મેમો ભરવા અને સહી કરવા જણાવતા બંને યુવકોએ તે સ્વીકારવાની બદલે મેમો ઉપર સહી નહી કરીએ જે થાય તે કરી લેજો તેમ કહી ખોટી રીતે બોલાચાલી કરી હતી. યુવકોએ જાહેરમાર્ગ પર પસાર થતા વાહનો સામે બુમાબૂમ કરી હતી કે, પોલીસ ખોટી રીતે રોકી પૈસા પડાવવા હેરાન પરેશાન કરે છે. યુપીમાં આવો કોઈ નિયમ નથી. તેમ કહી ટ્રાફિક મેમો નહીં સ્વીકારતા અને કામમાં અડચણ ઉભી કરતા બને ઇસમોને વાપી ટાઉન પોલીસ મથકે લઇ આવી તેની અંગ ઝડતીમાંથી મળેલા 55 હજારના 4 મોબાઈલ 50 હજારનું બાઇક મળી કુલ 1.05 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.