આતંકવાદ, ભ્રષ્ટાચાર, જીવહત્યા, નશામુક્ત અભિયાન, કન્યા ભ્રૂણ હત્યા રોકો આંદોલન સહિતના સંદેશા લઈને ભારત ભ્રમણ કરી રહેલા આસ મોહમ્મદ નામના સાયકલ યાત્રી વાપી પહોંચ્યા હતા. વાપી આવેલા આસ મોહમ્મદ 1965 ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેના માટે ટ્રકમાં સામાન ભરીને લઈ જતા હતા.
એક તરફ જયાં દેશમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે ધર્મને લઈને અંતર વધી રહ્યું છે. ત્યારે, ઉતરાખંડના 75 વર્ષના આસ મોહમ્મદ 20 વર્ષથી સાયકલ યાત્રા યોજી દેશમાં સામાજિક એકતાનો સંદેશો આપી રહ્યા છે. દેશ માટે જીવન સમર્પિત કરી દેનારા આ દેશપ્રેમીનું કહેવું છે કે, આજે પણ જો સેનાને તેની જરૂર પડશે તો, તેઓ સેના માટે આ ઉંમરે પણ તૈયાર છે.
આ દેશપ્રેમીએ 2000ના વર્ષથી સાયકલ પર સમગ્ર ભારતભ્રમણનું મિશન ઉપાડ્યું હતું. ત્યારથી તેઓ સાઈકલ પર દેશના વિવિધ રાજ્યો, શહેરોમાં જઇને લોકોને રાષ્ટ્રીય એકતા, જીવ હત્યા, ગૌહત્યા, કન્યા ભૃણ હત્યા રોકવાના સંદેશાઓ લોકોને આપી રહ્યા છે.આસ મોહમ્મદ પોતાની યાત્રા સાથે વાપીમાં આવ્યા હતા. વાપીમાં GIDC પોલીસ ચોકી ખાતે આવી આસ મોહમ્મદે પોલીસ અધિકારીઓ પાસે કેટલાક સામાજિક સંદેશ પણ લખાવ્યા હતા.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે તે જે પણ શહેરમાં તેઓ જાય છે, શહેરમાં મુખ્ય પોલીસ મથકમાં પોતાની પાસે રહેલ નોટબુકમાં સામાજિક સંદેશાઓ લખાવે છે. વાપીમાં પણ પોલીસ અધિકારીઓ પાસે સામાજિક સંદેશાઓ લખાવી આસ મોહમ્મદે પોતાની સાયકલ યાત્રા મુંબઇ તરફ આગળ વધારી હતી.
સામાન્ય કપડાં, વધેલી દાઢી, દુબળા પાતળા શરીરના આ 75 વર્ષીય સાયકલ યાત્રીને હાલમાં આંખમાં તકલીફ છે. પરંતુ, તેમ છતાં તે એક સૈનિકની જેમ તેમના દુઃખદર્દ ભૂલી દેશમાં સામાજિક સંદેશાઓ દ્વારા ક્રાંતિની મિશાલ બન્યા છે. અદમ્ય સ્ફૂર્તિ સાથે પોતાના પ્રવાસને આગળ ધપાવી રહ્યા છે.
આસ મોહમ્મદે વધુમાં જણાવ્યું હતું કે, 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ તેમણે ટ્રક ડ્રાઈવરની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ દેશમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર જેવા દેશને ખોખલા કરી રહેલા મુદ્દાઓ પર સામાજિક જાગૃતી લાવવા આ સાયકલ યાત્રા પર નીકળ્યા છે. આસ મોહમ્મદને તેમની આ સાયકલ યાત્રા દરમિયાન સાયકલમાં ટ્યુબ પંચર થવું, ટાયર ખરાબ થવા જેવા સામાન્ય પ્રશ્નો નડતા આવ્યા છે. જેનું નિરાકરણ પણ જાતે જ કરવું પડે છે. ક્યારેક રાત્રિ નિવાસ કરવા માટે તેઓ બસ સ્ટેન્ડ પર રોકાઈ જાય છે. અને પોતાને તંદુરસ્ત રાખવા માટે સતત જાગૃત રહી તમામ મુશ્કેલીઓનો સામનો કરી આ યાત્રા આગળ ધપાવે છે.