વલસાડ: વર્ષ 2004માં વિદ્યાસહાયકની ભરતીમાં દાહોદ જિલ્લામાં 1054 ખાલી જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં એસ.ટીને 40 ટકા અનામત જાળવતા ફક્ત ૨૬ ટકા ભરતી કરવામાં આવી હતી અને બાકીની 14 ટકા જેટલી બેઠકો પર ભરપાઈ કરવામાં આવી નહોતી. જેથી 13 જેટલા શિક્ષકોએ નામદાર હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
આ પિટિશનમાં હાઈકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, અરજદારોની માગણી સાચી છે. વધુમાં હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, ભરતી થયાના 9 વર્ષ વીતી ગયાં હોવાથી આ માંગણી સંતોષવામાં આવે તો એસ.ટી અનામતની બાકી રહેલી 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલા ઓપન કેટેગરીના ઉમેદવારોને અનસેટલ કરી શકાય નહીં. એટલે કે, તે સમયે 14 ટકા અનામતની જગ્યાઓ ઉપર ઓપન કેટેગરીના ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી હતી. જે બાબતે ગત કેટલાક સમયથી 74 જેટલા શિક્ષકો લડત ચલાવી રહ્યા છે, પરંતુ હજૂ સુધી તેમને ન્યાય મળ્યો નથી. આ સાથે જ ભરતીના સમયે તેમની પાસે લેવામાં આવેલા પ્રમાણપત્રો પણ જિલ્લા પંચાયતમાં જ જમા રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ લડતને કારણે માનસિક તાણમાં આવી ગયેલા 2 ઉમેદવાર શિક્ષકોએ આત્મહત્યા પણ કરી લીધી છે. જેથી સોમવારે આ તમામ શિક્ષકોએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માગ કરી છે.