ધરમપુર ખાતે આવેલ વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની પાછળ આવેલા લાલ ડુંગરીના મેદાનમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુમાર કાનાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના પ્રધાને પોતાના વ્યક્તવ્યમાં જણાવાયું હતું કે, મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનું જે અખંડ ભારતનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન આજે પૂર્ણ થયું છે.
મોદી સરકાર દ્વારા કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી 370ની કલમની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ ઉમદા છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં વિશેષ પ્રદાન કરનારા તેમજ ખેલકુદ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરની સ્થિતિમાં 6 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બચાવનાર પોલીસ કર્મી અને જી .આર. ડી વિભાગના 8 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ધરમપુર તાલુકાના વિકાસ માટે મુખ્યપ્રધાન દ્વારા રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા સંસદ ડો.કે સી પટેલ ,વલસાડ ધરમપુર પારડીના ધારાસભ્ય જિલ્લા કલેકટર સહિત સમગ્ર સરકારી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.