- વલસાડ જિલ્લામાં 26 બાળકોને મળ્યો આધાર
- કોરોનામાં માતા-પિતાના મોત બાદ સરકારની સહાય
- દર મહિને ખાતામાં આવશે 4,000 રૂપિયા
વાપી: વલસાડ (Valsad) જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા રાજ્ય સરકારની જાહેરાત બાદ 26 બાળકોને આર્થિક મદદનો લાભ અપાવ્યો છે. આ એવા બાળકો છે જેમણે કોરોના (corona) કાળમાં પોતાના માતા-પિતા બંનેનું છત્ર ગુમાવ્યું છે.
બાળકોને દર મહિને 4,000 રૂપિયાની સહાય કરવામાં આવશે
ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM vijay rupani)એ હાલમાં જ મહત્વની જાહેરાત કરી છે કે, માર્ચ 2020થી જે પણ બાળકના માતા-પિતા બંને કોરોનામાં મૃત્યુ પામ્યા હશે તેવા બાળકોને દર મહિને 4000 રૂપિયાની સહાય કરવામાં આવશે. આ અંગે વલસાડ જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકીએ વિગતો આપી હતી કે, તેમની કમીટીના સભ્યો અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 15 દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરી કુલ 26 એવા બાળકોને લાભ અપાવ્યો છે. જેમના માતા-પિતા આ કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા
જિલ્લામાં 250 એક વાલીપણા હેઠળ હોય તેવા બાળકો
સોનલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષમાં કોરોનામાં જેમ 26 માતા-પિતા ગુમાવનાર બાળકોની અરજીઓ મળી છે. તેવી જ રીતે દોઢ વર્ષમાં માતા કે પિતા કોઈ એક ગુમાવનાર અને એક જ વાલીપણામાં હોય તેવા 250 બાળકોની અરજી પણ મળી છે. જેઓની સ્થળ તપાસ કરી છે. જો કે હાલની જાહેરાતમાં તેવા લાભાર્થીઓનો સમાવેશ થતો નથી. પરંતુ તેમાં જે વિધવા સહાય મળવા પાત્ર છે તે ચુકવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા માતાપિતાના બાળકો માટે કરી જાહેરાત, 50 જેટલા બાળકોએ કરી સરકારમાં અરજી
નિરાધાર બાળકોને પગભર કરવા રાજ્ય સરકાર બની આધાર
વલસાડ જિલ્લામાં તાલુકા મુજબ વિગતો જોઈએ તો વલસાડ તાલુકાના 13, પારડી તાલુકાના 5, ધરમપુર તાલુકાના 4 અને કપરાડા તાલુકાના 4 મળી કુલ 26 બાળકોને હાલની જાહેરાત મુજબ લાભ અપાઈ રહ્યો છે. આ માટે વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ જિલ્લામાં પ્રચાર પ્રસાર કરી તેમાં સફળતા મેળવી છે. જેનાથી નિરાધાર બનેલા બાળકોને આર્થીકરીતે પગભર થવા અને ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનને બહેતર બનાવવામાં સરકાર આધાર બની છે.