- ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો પૈકી 23 પુસ્તકોનું વિમોચન
- કોરોના જેવા કાળમાં ઉમદા કામગીરી કરનારા 410 શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
- સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર એકસાથે 410 જેટલા શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા
વલસાડ: જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ લાવવામાં સફળ રહ્યા હોય તેવા 410 શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કોરોના કાળમાં બોર્ડ દ્વારા 30 ટકા સુધીનો કોર્સમાં ઘટાડો કર્યા બાદ અન્ય સિલેબસને આધારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બને એવા 23 પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વલસાડની BAPS સ્કૂલ અબ્રામા ખાતે જિલ્લા કલેકટરની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા 23 પુસ્તકોનું વિમોચન
સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લામાં પ્રથમ વાર એવું બન્યું છે કે, એકસાથે 410 જેટલા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. સાથે-સાથે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા 23 પુસ્તકોનું વિમોચન પણ પ્રથમ વાર થયું હતું. ગત વર્ષે માર્ચ 2020માં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનારા જિલ્લાના 410 જેટલા શિક્ષકોને આજે અબ્રામા ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અરવલ્લીમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેનો પ્રચાર-પ્રસાર
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વિદ્યાર્થી પ્રતિભાશાળી બને અને બોર્ડનું પરિણામ ઊંચું આવે તેવા હેતુસર અનેક આયોજનો થયા છે. જેમાં વધુ કામગીરી કરતાં સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે કોરોના કાળમાં ઘટાડેલા સિલેબસને બાદ કરતાં 70 ટકા સિલેબસને આધારે તૈયાર કરવામાં આવેલા 23 જેટલા પુસ્તકોનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. જે પુસ્તકોની કોપી દરેક સ્કૂલોમાં મોકલી દેવામાં આવી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
આ પણ વાંચો: નડિયાદમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો
ગણિત-વિજ્ઞાન મંડળ દ્વારા પાંચ પ્રશ્નપત્રો ઉત્તર સાથે વિમોચિત કરવામાં આવ્યા
આગામી દિવસમાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી ભય વિના પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા ગણિત-વિજ્ઞાન મંડળ દ્વારા ગણિતના પાંચ પ્રશ્નપત્રો જ્યારે વિજ્ઞાનના પાંચ પ્રશ્નપત્ર ઉત્તરો સાથે બનાવીને આજે વિમોચિત કરવામાં આવ્યા છે. જે આગામી દિવસમાં બોર્ડની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
કોશિશ અભિયાન અંતર્ગત ઓનલાઇન શિક્ષણ બાદ 571 એકમ કસોટી લેવાઈ
કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન બાળકોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 15 જુન 2020થી ઓનલાઇન શિક્ષણ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, બાળકો ઘરે બેસીને પણ કેટલું શિક્ષણ ગ્રહણ કર્યું છે અને તેઓ કેટલું શીખ્યા છે તે માટેની જાણકારી માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની અત્યાર સુધીમાં 513 જેટલી ઓનલાઇન એકમ કસોટી લેવામાં આવી હતી. જેમાં અનેક બાળકો પાસ થયા હતા.
વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા
આજે શુક્રવારે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કે. એફ. વસાવા તેમજ કપિલ સ્વામી સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી. જ્યારે મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાની વિવિધ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.