વલસાડ: વલસાડ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ આકાશી પાણી મેળવતો જિલ્લો છે. આ વર્ષે પણ મોડે મોડે મેઘરાજાએ બિરુદ આપવા પોતાનું હેત વરસાવ્યું છે. દર વર્ષે ઓગસ્ટના અંત સુધીમાં જિલ્લામાં સરેરાશ જે વરસાદ નોંધાય છે. જેની તુલનાએ આ વર્ષે ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. તેમ છતાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લામાં નદી-નાળાં છલકાયા છે. ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઇ છે.
20મી ઓગસ્ટ 2020ના સવારના 6 વાગ્યા સુધીમાં જિલ્લા વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં 63.70 ઇંચ, કપરાડા તાલુકામાં 56.58 ઇંચ, ધરમપુર તાલુકામાં 50.91 ઇંચ, પારડી તાલુકામાં 42.28 ઇંચ, વલસાડ તાલુકામાં 61.97 ઇંચ, અને વાપીમાં 45.95 ઇંચ વરસાદ નોંધાયો છે. જેની સામે ગત વર્ષ 2019માં 3જી ઓગસ્ટ સુધીમાં ઉમરગામ તાલુકામાં 57.88 ઇંચ, કપરાડા તાલુકામાં 86.12 ઇંચ, ધરમપુર તાલુકામાં 70.11 ઇંચ, પારડી તાલુકામાં 63.16 ઇંચ, વલસાડ તાલુકામાં 57.02 ઇંચ અને વાપીમાં 75.96 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો હતો.
આ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ ગત વર્ષની તુલનાએ ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે 3જી ઓગસ્ટ સુધીમાં સેલવાસમાં 80 ઇંચ અને ખાનવેલમાં 90 ઇંચ વરસાદ વરસી ચુક્યો હતો. આ વખતે 20મી ઓગસ્ટ સુધીમાં સેલવાસમાં 61.98 ઇંચ અને ખાનવેલમાં 67.93 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં દર વર્ષે સરેરાશ 100 ઇંચ જેટલો વરસાદ વરસે છે. આ વખતે શરૂઆતમાં પડેલા ઓછા વરસાદે ખેડૂતોમાં ચિંતા જગાવી હતી, પરંતુ હાલમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસતા વરસાદી માહોલને જોતા ચોમાસાના અંત સુધીમાં 100 ઇંચનો આંક પ્રાપ્ત કરી લેવાનો આશાવાદ ખેડૂતોમાં અને વહીવટી તંત્રમાં જાગ્યો છે. આશા રાખીએ કે, આ આશા વરુણદેવે પુરી કરે. જ્યારે મધુબન ડેમનું લેવલ 75.60 મીટર તેમજ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક 21,507 ક્યુસેક થઇ છે.
જિલ્લામાં 20મી ઓગસ્ટના રાત્રીના 12 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીનો તાલુકા મુજબ વરસાદ
- ઉમરગામ 15 mm
- કપરાડા 34 mm
- ધરમપુર 19 mm
- પારડી 12 mm
- વલસાડ 61 mm
- વાપી 19 mm
- દાદરા નગર હવેલીમાં સેલવાસમાં 63mm