ઉમરગામ તાલુકામાં પારસીઓનું ગામ ગણાતા સંજાણમાં 20 પરિવારોને પોતાના ઘર છોડી એક ટેકરી પર રહેવાની ફરજ પડી છે. એક તરફ રેલવે લાઇન પર દોડતી રેલવેનો ઘોંઘાટ, બીજી તરફ જોશભેર વહેતી નદીના કાંઠે આવેલ ટેકરી પર પ્લાસ્ટિકની તાડ પત્રીના ટેન્ટ બાંધી છેલ્લા એક સપ્તાહથી 20 પરિવારો વસવાટ કરે છે.
ગત 4 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન ભારે વરસાદ વરસતા બુનાટપાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી રાત્રે એક વાગ્યે ગ્રામ પંચાયતે અને તંત્રએ તમામને નજીકની શાળામાં સ્થળાંતર કર્યા હતાં. પરંતુ તે બાદ આ તમામ પરિવારો પોતાના ઘરનો સમાન લઈ નજીકની ટેકરી પર રહેવા આવી ગયાં છે. અહીં ટેન્ટ બાંધી મચ્છરોના ત્રાસ વચ્ચે અંધારામાં એક સપ્તાહથી 120 પુરુષો, મહિલાઓ અને બાળકો વસવાટ કરવા મજબૂર બન્યાં છે. જેઓને શનિવારે રોટરી કલબ ઓફ ઉમરગામના સભ્યોએ તાડ પત્રી, છત્રી, ચાદર સહિતની જરૂરિયાતની ચીજવસ્તુઓ પુરી પાડી હતી.
એક સપ્તાહથી ટેકરી પર વસતા આ 20 પરિવારોના રહેણાંક મકાન અંગે જે મુશ્કેલીઓ ઉભી થઇ છે. તે અંગે ગામના સરપંચ દક્ષાબેન કચરાએ જણાવ્યું હતું કે, આ પરિવારો માટે આવાસ યોજના હેઠળ પાકા મકાનો બનાવી આપવાની મંજૂરી મળી છે. પરંતુ તે વિસ્તાર નજીકની રેલવે લાઈનથી નિચાણમાં છે. જે માટે પાણી ભરાય જાય છે. રેલવે વિભાગે ત્યાં માટીથી પુરાણ કરવાની ખાતરી આપી છે. પણ હજુ સુધી તે કામગીરી કરી નથી. વરસાદમાં પાણી ભરાતા આ લોકોએ અહીં વસવાટ કરવાની ફરજ પડી છે. પંચાયત તેમને બનતી મદદ કરી રહી છે.
ટેકરી પર ઘર છોડી વસવાટ કરતા નિરુબેન ભુરકુડે જણાવ્યું હતું કે ઘરના છાપરા સુધી પાણી ભરાતા ઘરનો બધો સામાન લઈને આ ટેકરી પર આવવું પડ્યું છે. નાના નાના છોકરાઓ છે. ખૂબ પરેશાની પડી રહી છે. અમારી એક જ માંગ છે કે વહેલી તકે અમને જે આવાસ ફાળવ્યા છે. ત્યાં રેલવે વિભાગ પોતાની કામગીરી પુરી પાડે તો અમે અમારા મકાનમાં રહેવા જઇ શકીએ. છેલ્લા બે વર્ષથી આ રીતે ચોમાસામાં પરેશાન થઈએ છીએ.
અન્ય વિલાસ અળગા નામના રહેવાસીએ જણાવ્યું હતું કે 20 પરિવારોના 120 સભ્યો છીએ તમામ અહીં ટેન્ટમાં રહે છે. બાળકો શાળામાં ભણે છે. જેઓને રાત્રે અંધારામાં રહેવું પડે છે. મચ્છરોનો પણ ખૂબ ત્રાસ છે. બસ અમારા મકાનો વહેલા બનાવી આપે એ જ તંત્ર પાસે અપીલ છે.
આ 20 પરિવારોને રોટરી કલબ ઓફ ઉમરગામના સભ્યોએ તાંડપત્રી, છત્રી, મચ્છરદાની સહિતની જરૂરિયાત પુરી પાડી હતી. જે અંગે પ્રમુખ જ્વલંત જાદવે જણાવ્યું હતું કે, આ પરિવારોની પરિસ્થિતી અંગે અમે અહીં આવીને તપાસ કરી અને તે બાદ તેઓને બનતી મદદ કરી છે. ટેન્ટમાં આ લોકો રાત્રે ભીનામાં સુતા હતાં એટલે તેમણે તાંડપત્રી, મચ્છરદાની, છત્રી સહિતની વસ્તુઓ પુરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત અને સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ થી આ 20 પરિવારોને હૂંફ તો જરૂર મળી છે. પરંતુ, હવે રેલવે તંત્ર પણ જાગે અને તેમના આવાસની જમીનમાં માટીની ભરતી કરી આપે તો જ આ ગામલોકોને ઘર નું ઘર નસીબ થશે. જે આશા હાલ ચોમાસા પૂરતી તો નિરાશામાં પરિણમતી દેખાય છે.