વલસાડઃ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન 150 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધરમપુર અને કપરાડા વિસ્તારને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. આ ચેરાપુંજીમાં બુધવારના રોજ બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદમાં વીજળી પડવાના 2 અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
ઇજાગ્રસ્ત થયેલા તમામને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો વરસાદી માહોલમાં પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
ધરમપુરના અંતરિયાળ ગામોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા મેઘરાજાએ પોતાની તોફાની બેટિંગ શરૂ કરી હતી. ધરમપુર નજીક આવેલા પેણધા ગ્રામ પંચાયતના દાંડવળ ગામે અને તામછડી ગામે વીજળી પડી હતી. જેને લઇને બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે ખેતરમાં કામ કરી રહેલા પાંચ જેટલા લોકોને વીજળી પડવાથી શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામને સારવાર અર્થે ધરમપુર 108 એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકોના નામ
1. ફેલુભાઈ રતન ભાઈ વાજવડે ઉ.વ 41
2. લાહના ભાઈ સોમભાઈ વેજલ ઉ.વ.49
પાંચ લોકો ઘાયલ થયા છે.
1.દેવરામ લક્ષ્મણભાઈ માંગી ઉ.વ.36
2.નિલેશ દેવરામ માંગી ઉ.વ.18
3.પરુલબેન સોનિયા ભાઈ માંગી ઉ.વ.45
4.બિપિન ઝુલા ભાઈ જાન્જર ઉ.વ.45
5.દેવલી બેન મહાદુ ભાઈ માંગી ઉ.વ.46
આ તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે હાલમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધરમપુર તાલુકાના ટી ડિ ઓ એચ ડી પટેલે જણાવ્યું કે, ઘટના દાંડવળમાં બની હતી. જેમાં કેટલાક મજૂરો જંગલ ખાતાની જમીનમાં રોજમદાર તરીકે મજૂરી કામ અર્થે કામગીરી કરી રહ્યા હતા. તેઓ તેનો ભોગ બન્યા છે. ઘટન બનતા ધરમપુર જંગલ ખાતાના આધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.