રવિવારના રોજ વાપી વિસ્તારમાં 10 વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીમાં અંદાજિત પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેને કારણે વાપીના તમામ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. વરસાદના કારણે જનજીવન ઠપ્પ થયું હતું. કેટલાંક વિસ્તારોમાં લાઈટ પણ ગૂલ થતાં શહેરીજનોને મુશ્કેલીમાં મુકાયા હતા.
દાદરાનગર હવેલીના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતાં મધુબન ડેમમાંથી તંત્ર દ્વારા શરૂઆતમાં એક લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. ડેમમાં સતત પાણીની આવક વધતી રહી છે. છતાં તંત્રએ બાર વાગ્યે એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડયું હતું. ત્યારબાદ બે વાગ્યે મધુબન ડેમના દસ દરવાજા ને 5.70 મીટર સુધી ખોલીને 2,35,030 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમમાં પાણીની આવક 3,31,502 ક્યુસેક રહી હતી. જેની સામે સવા બે લાખથી પણ વધુ ક્યુસેકનું પાણી નદીમાં છોડતા દમણગંગા નદી ગાંડીતુર બની હતી.
નદીના ધસમસતા પ્રવાહને જોવા માટે શહેરીજનો પણ મોટી સંખ્યામાં દમણગંગા નદીએ પહોંચ્યા હતા. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ એલર્ટ પોઝીશનમાં આવ્યું હતું. દમણ ગંગા નદી પર લોકોની અવરજવર બંધ કરી પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડના જવાનોને તૈનાત કરાયા હતા. તો, નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં અને નદી કાંઠાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે માઇક દ્વારા એલર્ટ જાહેર કરાયું હતું.ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારના છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં 25mm, કપરાડા તાલુકામાં 239mm, ધરમપુરમાં 90 mm, પારડીમાં 70 mm, વલસાડમાં 27 mm, અને વાપી તાલુકામાં 122 mm વરસાદ વરસ્યો હતો. સેલવાસમાં આવેલાં મધુવન ડેમનું લેવલ હાલ 74.65 મીટરે રહ્યું હોવાનું અને જો સતત ડેમમાં પાણીની આવક થતી રહેશે તો હજુ વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે તેવું જણાવ્યું હતું. કન્ટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.