વલસાડ જિલ્લામાં કુલ 995 જેટલી પ્રાથમિક સ્કૂલ આવેલી છે, જેમાં 6 જેટલી સ્કૂલમાં સંખ્યા ઓછી થઈ જતા ગત વર્ષે તેને તાળા મારી નજીકની સ્કૂલમાં વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ સરકારી સ્કૂલમાં અભ્યાસ અર્થે બાળકોને કેટલાક વાલીઓ મુકતા ન હોય જેના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે. આ કારણે સરકાર દ્વારા જે સ્કૂલોમાં સૌથી ઓછી વિદ્યાર્થીઓની સંખ્યા હોય એવી શાળાઓની માન્યતા રદ કરવાની અને તેના બાળકોને નજીકના એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતી સ્કૂલમાં મર્જ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ 164 જેટલી સ્કૂલને રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે ઉપલી કક્ષાએ આવી સ્કૂલના એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતી સ્કૂલને નક્કી કરવા google mapનો સહારો લેવામાં આવ્યો હતો.
પરંતુ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ભૌગોલિક સ્થિતિ વિપરિત હોય નદીનાળા પાર કરવા પડે એમ હોય તેથી આવી સ્કૂલ કેટલી છે, તેમને કઈ અન્ય સ્કૂલમાં વૈકલ્પિક રીતે સમાવી તે માટેનો સર્વે હાલ જિલ્લામાં ચાલી રહ્યો છે. જે બાબતની જાણકારી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપી હતી. તેમણે કહ્યું કે આ સમગ્ર સર્વેનો રિપોર્ટ તારીખ 31 જુલાઇ સુધીમાં ગાંધીનગરમાં જમા કરી દેવાનો છે. જેને લઇને જે તે તાલુકામાં કામગીરી શરૂ થઈ છે, ત્યારે આગામી દિવસમાં જિલ્લામાં 164 જેટલી સ્કૂલમાં 6 તાલુકાઓમાં વિવિધ નજીકની સ્કૂલમાં મર્જ કરી દેવાની હિલચાલ શરૂ થઈ ચૂકી છે.
મહત્વની વાત એ છે, કે 164 સ્કૂલોને મર્જ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. છતાં સમગ્ર બાબતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મળાબેન જાદવને લેખિત કે મૌખિક રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી, એટલું જ નહીં 164 સ્કુલ કઈ છે તે બાબતે જિલ્લા પંચાયતના દરેક સભ્યોને કોઇ લિસ્ટ પણ આપવામાં આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્યારે અહીં એ વાત સ્પષ્ટ થાય છે, કે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કામગીરી બાબતે જે તે જિલ્લા પંચાયતના પ્રતિનિધિને માહિતીથી અવગત કરવામાં આવતા નથી.