- વાપી તાલુકાની 15 બેઠક માટે 32 ઉમેદવારો
- વાપી તાલુકામાં જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 6 ઉમેદવારો
- ઉમરગામ તાલુકા પંચાયત માટે 73 ઉમેદવારો
વલસાડ: વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકા પંચાયત, વાપી તાલુકા પંચાયત, વલસાડ જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકામાં મતદાન માટે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ઉપરાંત BSP, રાષ્ટ્રીય ચેતના પાર્ટી, BTS અને AAPના ઉમેદવારો વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ ખેલાયો છે.
ઉમરગામ નગરપાલિકા માટે 71 ઉમેદવારો મેદાનમાં
રવિવારના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો વાપીમાં તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો પૈકી 5 બેઠક બિનહરીફ થયા બાદ 15 બેઠકો પર 32 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની 4 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થયા બાદ 3 બેઠકો પર ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ઉમરગામમાં ભાજપ-કોંગ્રેસ, અપક્ષ, BTS મેદાનમાં
ઉમરગામ તાલુકા પંચાયતમાં કુલ 1.95 લાખ મતદારો છે. 30 તાલુકા પંચાયતની બેઠક છે. જે માટે 73 ઉમેદવારો, તો જિલ્લા પંચાયતની 8 બેઠક માટે 18 ઉમેદવારો મેદાનમાં છે. ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના 30, કોંગ્રેસના 30 ઉમેદવારો ઉપરાંત આ વખતે ભીલીસ્તાન ટાઇગર સેનાના 5 ઉમેદવારો અને અપક્ષના 8 ઉમેદવારો મેદાનમાં છે.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ગામમાં ત્રિપાંખ્યો જંગ
ઉમરગામ તાલુકા પંચાયતની ઘોડિપાડા, અંકલાસ, કલગામ પર ત્રિપાંખ્યો જંગ છે. જિલ્લા પંચાયતની 8 બેઠકો માટે 18 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની બેઠકોમાં 8 બેઠકો પર ભાજપ, 8 બેઠકો પર કોંગ્રેસ, મરોલી અને સોળસુંબા બેઠક પર અપક્ષ ઉમેદવારનો ત્રિપાંખ્યો જંગ છે.
27 બેઠકો માટે કુલ 71 ઉમેદવારો મેદાનમાં
ઉમરગામ નગરપાલિકાની વાત કરીએ તો ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકોમાંથી 1 બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. 27 બેઠકો માટે કુલ 71 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 27, કોંગ્રેસના 20, BSPના 4, રાષ્ટ્રીય ચેતના પાર્ટીના 4, આપ પાર્ટીના 1 સહિત 15 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
મોટાભાગના વોર્ડમાં આ વખતે ત્રિપાંખ્યો જંગ
ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 4 પર ભાજપના નારાજ કાર્યકરો ચૂંટણી જંગમાં છે. વોર્ડ નંબર 6 અને 7માં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. મોટાભાગના વોર્ડમાં આ વખતે ત્રિપાંખ્યો જંગ છે. મતદાન માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ કરી છે. સુરક્ષા વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
કોવિડ-19 ગાઇડલાઈનનું પાલન કરાવવા તકેદારી રાખી
ઉલ્લેખનીય છે કે, વાપીમાં જિલ્લા પંચાયતની લવાછા, છીરી, બલિઠા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. તો, તાલુકા પંચાયતની બેઠકો પર પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે જ મુખ્ય ટક્કર છે. ઉમરગામ નગરપાલિકાનું મતદાન આ વખતે ભારે રસાકસી વાળું છે. નગરપાલિકામાં કુલ 21979 મતદારો છે. જેના માટે 9 સ્થળો પર 22 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. તમામ મતદાન મથક પર કોવિડ-19ની ગાઇડલાઈનનું પાલન કરાવવા તકેદારી રાખી છે. આરોગ્યની ટીમ તૈનાત કરી છે. સોશ્યલ ડિસ્ટન્સ માટે ખાસ માર્કિંગ કરી મતદારોને સેનેટાઇઝ કરી હેન્ડગ્લોવ્ઝ, માસ્ક વિતરણની વ્યવસ્થા ઉભી કરી છે.