- વાવાઝોડા પહેલા વાતાવરણમાં પલટો આવ્યો
- તાપમાન ઘટ્યું પરંતુ દરિયામાં કોઈ મોટી હલચલ નહિ
- વહીવટીતંત્ર દ્વારા 125 ગામોમાં એલર્ટ જાહેર કર્યું
નારગોલ (વલસાડ): જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી તૌકતે વાવાઝોડું પસાર થવાનું છે. આ વાવાઝોડું સોમવારે સવારે 9થી 11 વાગ્યા વચ્ચે વલસાડના કાંઠે પહોંચવાની સંભાવના છે. ત્યારે, વાવાઝોડું હજુ ઘણું દૂર હોવા છતાં વલસાડ જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. જોકે, વાવાઝોડા સામે વહીવટી તંત્ર સજ્જ બનતા ગામલોકોને એલર્ટ કર્યા છે. જિલ્લાના 125 જેટલા ગામોમાં શેલટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી
અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાયો
વલસાડ જિલ્લામાં રવિવારે વાતાવરણમાં ભારે પલ્ટો જોવા મળ્યો હતો. બીજી તરફ અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડું સોમવારે સવારે 9થી 11 વાગ્યા આસપાસ ઉમરગામ વિસ્તારના કાંઠે ટકરાવાની શકયતા છે. જે અંગે, નારગોલ ગામના માલવણ બીચ પર અને નારગોલ ગામમાં કેવી તૈયારી કરવામાં આવી છે તે અંગે ગામલોકો પાસેથી વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે, ગામમાં મોટાભાગના પાકા મકાનો છે. એ ઉપરાંત કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવા માટે પૂરતા ઓરડાઓ અને સમાજવાડીઓની વ્યવસ્થા છે.
કોઈ મોટી નુકસાની નહિ થાય તેવો ગામલોકોનો વિશ્વાસ
અગાઉ પણ આ વિસ્તારમાં અનેક વાવાઝોડાની આગાહી અને તેનાથી બચવાના આગોતરા આયોજનો થઈ ચૂક્યા છે. જેમાં ક્યારેય કોઈ મોટુ નુકસાન થયુ નથી. 2 વર્ષ પહેલાં ગામમાં જોરદાર પવનમાં કાચા ઘરોને અને શરૂના ઝાડને નુકસાન થયું હતું. ગામલોકોનું માનવું છે કે, વાપીથી તાપી સુધીની ભૂમિ પરશુરામની ભૂમિ છે. આથી, આ વિસ્તારમાં ક્યારેય કોઈ મોટી નુકસાની થઈ નથી.
આ પણ વાંચો: કોરોના કાળમાં ગુજરાત પર વધુ એક સંકટ, વાવાઝોડાની આગાહીના પગલે સરકાર એલર્ટ
નારગોલ દરિયા કિનારે પરિસ્થિતિ સામાન્ય
વલસાડ જિલ્લામાં વાવાઝોડા પહેલા વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમ છતાં, ઉમરગામ-નારગોલ દરિયાના પાણીમાં હજુ સુધી કોઈ મોટો ફરક પડ્યો નથી. દરિયા કિનારે પવનની ગતિ અને દરિયાના મોજા સામાન્ય જ છે. તેમ છતાં વહીવટીતંત્રે તેમના તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી વાવાઝોડામાં જાનમાલની નુકસાની અટકાવવા ગામલોકોને પણ સચેત કર્યા છે.
વલસાડથી વેરાવળ-ઉના તરફ ફંટાશે તૌકતે
ઉલ્લેખનીય છે કે, સોમવારે વલસાડના દરિયા કાંઠે ત્રાટકનાર તૌકતે સાઇક્લોન વલસાડના કાંઠા વિસ્તારને ઘમરોળતુ વેરાવળ-ઉના થઈ મધ્ય ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારે, આશા રાખીએ કે વાવાઝોડામાં કોઈ મોટું જાનમાલનું નુકસાન થાય નહિ.