વાપીઃ ઔદ્યોગિક વિસ્તારમાં કામ અર્થે આવ્યા બાદ 45 દિવસથી કોરોના મહામારી અને લોકડાઉનમાં ફસાયેલા 1200 પ્રવાસી સાથેની એક ટ્રેન શનિવારે રાત્રે 10 કલાકે વાપીથી જોનપુર રવાના કરવામાં આવશે. આ અંગે રેલવે વિભાગના પ્રદીપ આહિર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રેલવેએ ટ્રેન ઉપલબ્ધ કરાવી છે. તે સાથે જ જે ટ્રેનના કોચ છે તે તમામ કોચને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. વાપીથી ઉત્તરપ્રદેશના જોનપુર સ્ટેશન સુધી આ ટ્રેન જશે જેમાં 1200 પ્રવાસીઓને રવાના કરવામાં આવશે. તમામ પ્રવાસીઓ અને રેલવે ડબ્બા અહીંથી સેનેટાઇઝ થઈને જશે.
વાપીમાં વાપી રેલવે સ્ટેશને લોકડાઉનના 45 દિવસ બાદ પ્રથમ પ્રવાસી ટ્રેન રવાના થશે. 45 દિવસથી વાપી રેલવે સ્ટેશને પાટા ખાલીખમ હતાં અને ટીકીટ બારી, કે પ્લેટફોર્મ સુના હતાં જે શનિવારે ફરી ગુંજતા થશે. વાપીથી આ પ્રવાસી શ્રમીકોને વતન મોકલવા માટે નગરપાલિકામાં કુમારશાળા મેદાન, RGSH હાઈસ્કૂલ અને via સહિત લવાછા ખાતે ખાસ ફોર્મ અને ટીકીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રથમ દિવસે અંદાજિત 2000 જેટલા ફોર્મ ભરાયા હતાં. આ પ્રવાસી મજૂરોને વતન સુધી પહોંચાડવા માટે રેલવે દ્વારા 750 રૂપિયા ટિકિટના દર નક્કી કરાયા છે.
શ્રમીકોને જે મુજબ ટીકીટ મળી હશે તે ઉત્તરપ્રદેશ ટ્રેન મારફતે જશે. આ માટે મોટી સંખ્યામાં કામદારો વહેલી સવારથી સાંજ સુધી રેલવે સ્ટેશન આસપાસ, વાપી ટાઉન વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં સામાન બાંધીને જતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાક પરિવારો નાના બાળકો સાથે પણ વતન વાપસી માટે નીકળ્યા હતાં.