- આજવા ચોકડી પાસે 15 સોસાયટીઓમાં ભર ઉનાળે પાણીનો કકળાટ
- અઢી લાખ વેરો ચૂકવતા રહીશો 2 હજારના ખર્ચે ટેન્કર મંગાવવા મજબૂર
- સ્થાનિકોને કરવો પડે છે ભારે હાલાકીનો સામનો
વડોદરા : શહેરમાં ભરઉનાળે કાળઝાળ ગરમીમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. વડોદરાની આજવા ચોકડી પાસે આવેલા કાન્હા લેન્ડમાર્ક અને અનંતા હાઇટ્સ સહિતની 15 જેટલી સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઇને રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ આજે મંગળવારે મોટી સંખ્યામાં એકત્ર થઇ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બળાપો કાઢ્યો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા
કોરોનાના કહેર વચ્ચે લોકોને બહાર પાણી ભરવા જતા પણ ડર લાગે છે
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી બિલ્ડર પાણી આપવાની વાતો કરે છે, પણ પાણી મળ્યું નથી. છેલ્લા કેટલાય દિવસથી તો પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. કોરોના મોતથી નહીં પણ પાણી વગર મરી જઇશું. કોરોના વાઈરસના કહેર વચ્ચે બહાર પાણી ભરવા જતા પણ ડર લાગે છે.
આ પણ વાંચો : રૂ'પાણી' સરકારના રાજમાં ઉનાળા પૂર્વે કળાપાણ ગામમાં પાણીનો કકળાટ
ગૃહિણીઓની હાલત દયનીય બની
અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેરના આજવા રોડ ઉપર કાન્હા લેન્ડમાર્કમાં રહેતા 750 જેટલા મકાનોમાં વસતા પરિવારો છેલ્લા 3 વર્ષથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. બિલ્ડરે 24 કલાક પાણી આપવાનું વચન પૂરું કર્યું નથી અને વુડા દ્વારા પાણી આપવામાં ન આવતા રહીશોમાં બિલ્ડર અને તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકો હાલ 2 હજાર રૂપિયાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે. પાણીનો અઢી લાખ રૂપિયા વેરો ભરતાં સ્થાનિકોને પાણી ન મળતા તંત્ર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. તેમાંય ખાસ કરીને ગૃહિણીઓની હાલત દયનીય બની છે.