વડોદરાઃ શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસે 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરુ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરુમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરુમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પ્રશાંત મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી તેનો પીછો કરીને ચીખલી નજીક નેશનલ હાઇવે પર માલવાળા ગામ પાસે આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડ હોટલ પાસેથી પાખંડી પ્રશાંત ઉર્ફે ગુરૂજી મહેશચંદ્ર ઉપાધ્યાયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી હતી.