વડોદરાઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે વિશ્વકર્મા જ્યંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલા વર્ષો જૂના ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે શુક્રવાર વહેલી સવારથી જ નગરજનો દર્શનાર્થે ઉમટ્યા હતા. આ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમણે એક હાથમાં ગજ ધારણ કર્યો છે. બીજા હાથમાં સૂત્ર છે. ત્રીજા હાથમાં જળનું કમંડળ છે, અને ચૌથા હાથમાં સમસ્ત સૂત્રોના ભંડાર સમાન પુસ્તક ધારણ કર્યું છે. તેઓ હંસ ઉપર બિરાજમાન છે. સ્વયં ત્રણ નેત્રોવાળા છે. મસ્તક પર સુંદર મુગટ શોભી રહ્યો છે. એવાં ત્રણેય લોકનાં સર્જક સર્વે દેવતાઓ રાજાઓ તથા પ્રજાજનોના કલ્યાણકારી પ્રભુ વિશ્વકર્માની શક્રવારના રોજ જન્મ જ્યંતિ ઉજવાઈ હતી.
શુક્રવારના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શહેરના એક મૂર્તિકાર દ્વારા વિશ્વકર્મા ભગવાનની 15 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની શોભાયાત્રા શહેરના વાડી ભાટવાડા વિસ્તારમાંથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા ભાટવાડામાં પરત ફરી હતી. વિશ્વકર્મા ભગવાનની યોજાનાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.
ઉલ્લેખનિય છે કે, છેલ્લાં 69 વર્ષથી આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શક્રવારે વિશ્વકર્મા જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.