આ મહોત્સવની માહિતી આપતા ત્યાગવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, હરીધામ સોખડાના સ્થાપક હરીપ્રસાદ સ્વામીની પ્રેરણાથી વડોદરા નજીક નેશનલ હાઇવે નંબર-48 ઉપર મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.2 થી 5 જાન્યુઆરી દરમિયાન યોજાનાર મહોત્સવ દરમિયાન તા.3 જાન્યુઆરીના રોજ હરીધામ સોખડાના સાધુ-સંતો સહિત દેશ-વિદેશના બે લાખ યુવાનો અંગદાન માટે સંકલ્પ લેનાર છે.
આ મહોત્સવમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજસ્થાનના ઉપ-મુખ્યપ્રધાન સચિન પાયલટ, ભાજપાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નઢ્ઢા, અને અનુરાગ ઠાકુર સહિત મહાનુંભાવો આવનાર છે. આ ઉપરાંત અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રલિયા, ફ્રાન્સ, જર્મની, ઇંગ્લેડ, ન્યુઝીલેન્ડ, સાઉદી અરેબીયા, દક્ષીણ આફ્રિકા તાન્ઝેનીયા સહિત વિદેશથી બે લાખ યુવાનો મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડશે..
આ મહોત્સવમાં આવનાર હરીભક્તો માટે સવા સાત લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં ભોજન મંડપ, દોઢ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં રસોડું, દોઢ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં જમવાની સુવિધા, 40 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં ચ્હા-નાસ્તા, ઉકાળા માટેની કેન્ટીન, રોજનું 35 હજાર લિટર ગરમ પાણી થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પાણીનો બગાડ ન થાય અને લોકોને પીવા અને વાપરવા માટે મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આગામી દિવસોમાં આ મહોત્સવમાં દેશ વિદેશના ખૂણે ખૂણેથી લોકો ઉમટશે..