- કરજણ શાકમાર્કેટમાં સાફ સફાઈનો અભાવ
- માર્કેટમાં મોટાપાયે કચરો અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું
- સ્વચ્છ કરજણ સુંદર કરજણના લીરેલીરા ઉડ્યા
વડોદરા: કોરોના વાઇરસની ભયંકર મહામારી વચ્ચે કરજણ શાકમાર્કેટમાં શાક ખરીદતા લોકોને ગંદકીના ઢગમાં ખરીદી કરવી પડી રહી છે. સમગ્ર કરજણ તાલુકામાં ઠેર ઠેર સ્વચ્છ કરજણ સ્વચ્છ ભારતના ચિત્રો જોવા મળી રહ્યા છે પરંતુ નગરપાલિકા શાકમાર્કેટ જેવી જાહેર જગ્યાઓને જ સ્વચ્છ રાખવામાં બેદરકારી દાખવી રહી છે. શાક માર્કેટમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
દુષિતમય વાતાવરણમાં શાકભાજી ખરીદવાની લોકોને ફરજ પડી
કરજણમાં નગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છ કરજણ સુંદર કરજણના મોટા ચિત્રો જોવા મળી રહ્યા છે. પરંતુુ તે ફક્ત જનતાને બતાડવા માટે જ હોય એમ લાગી રહ્યું છે. જો કે કરજણ નગરપાલિકાની ઘોર બેદરકારીના ઉદાહરણ રૂપ શાકમાર્કેટમાં ખરીદી કરવા આવતા લોકો યોગ્ય સાફ સફાઇના અભાવે ગંદકીમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ જ્યાં દરરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે ત્યાં કરજણ નગરપાલિકા તંત્ર ભરનિંદ્રા માણી રહી હોવાનું સામે આવ્યું છે. કરજણમાં શાકભાજીની ખરીદી કરવામાં માટે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. અહીં યોગ્ય સાફસફાઈના અભાવે શાક માર્કેટ ઉકરડો બની ગયો છે. ઉપરાંત ઠેરઠેર માર્કેટમાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે ખરીદી કરવા આવતા લોકોને તંત્રના પાપે હાલાકીનો ભોગ બનવવાનો વારો આવ્યો છે.