વડોદરા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામની રહી ગઈ હોય તેવું લાગે છે. સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે. વારસિયા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. વારસિયા પોલીસ મથકને દેશના શ્રેષ્ઠ પોલીસમથકમાં સ્થાન મળ્યું હતું. ત્યારે બીજી વાર આ પોલીસ મથક વિસ્તારમાંથી નામચીન બુટલેગર પાસેથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાતા સ્થાનિક પોલીસની રહેમ નજર હોવાનું પુરવાર થયું છે.
પોલીસની રહેમ નજર ? શહેરના વારસિયા વિસ્તારમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના PSI આઇ.એસ.રબારી અને તેમના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં કુખ્યાત બુટલેગર આનંદ કિશનભાઇ કહાર (રહે.યોગી નગર, વારસીયા)નો રૂપિયા 26 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે, બુટલેગર આનંદ કહાર પોલીસ પકડથી દૂર છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે આ અંગેની ફરિયાદ વારસિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્ય બે ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેને સત્વરે ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે.--- યુ.જે. જોષી (PI વારસિયા પોલીસ મથક)
26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: સ્ટેટ મોનીટરીંગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુખ્યાત બુટલેગર ફરાર છે. વારસિયા હદ વિસ્તારમાં SMCની કાર્યવાહી બીજી વાર છે. ગતરાતે થયેલ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી રૂપિયા 26 લાખની કિંમતનો દારૂ, મોબાઈલ ફોન, દારૂ વેચાણના રૂ.36,800 રોકડા મળીને કુલ રૂપિયા 26,50,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નામચીન બુટલેગર ફરાર: પોલીસે આ સ્થળ પરથી દારૂનું વેચાણ કરનાર અને દારૂના જથ્થાની દેખરેખ રાખનાર બુટલેગર આનંદ કાહારના સાગરીત વસંત બળવંતરાય સુર્વે (રહે.54 ક્વાર્ટર વારસીયા) અને ચંદ્રકાંત ચંદુભાઈ રાજપૂત (રહે.54 ક્વાર્ટર વારસિયાની) ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર બુટલેગર આનંદ કહાર, દિલીપ સોમાભાઈ માછી (રહે.યોગીનગર વારસીયા) અને નાનકા માછી(રહે.વારસીયા)ને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.