વડોદરા : શહેરના તુલસીવાડી વિસ્તારમાં બે વર્ષ અગાઉ મંદબુદ્ધિની સગીરાને બે શખ્સોએ આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેના કેસમાં અદાલતે આરોપીઓને ગુનામાં દોષિત ઠેરવી પાંચ વર્ષની સાદી કેદ સાથે રૂપિયા 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
દુષ્કર્મનો આચરવાનો પ્રયાસ : આ બનાવની વિગતો એવી છે કે, ફરિયાદીની મંદબુદ્ધિની 12 વર્ષીય દીકરી વર્ષ 2021ના જૂન માસ દરમિયાન સાંજના સમયે પોતાના ઘરેથી બહેન સાથે શાક માર્કેટ જતી હતી. તે સમયે નરાધમે તેને રોકી કાળુ કાળિયાના ઘરે લઈ જઇ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કારેલીબાગ પોલીસે છેડતી અને કિડનેપિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા
આરોપીઓને દંડનો હુકમ : આ અંગેનો કેસ અદાલતમાં ચાલ્યો હતો અને ફરિયાદ પક્ષ ધારાશાસ્ત્રી જેડ.એમ. બેલીમએ દલીલો કરી હતી કે, ઘટના નજરે જોનાર સાક્ષી તેમજ અન્ય સાક્ષીઓનું ફરિયાદીને સમર્થન મળ્યું હતું. સાક્ષીએ ઘરની તૂટેલી બારીમાંથી સમગ્ર બનાવ જોયો હતો. પંચનામા મુજબ બનાવ વાળા મકાનમાં તૂટેલી બારી હોવાનું સાબિત થાય છે. કાયદાથી અજ્ઞાન તે બચાવ નથી. આરોપીઓ ગરીબ છે તેના કારણથી તેઓને રાહત મળી શકે નહીં. સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ વિનંતી કરવામાં આવી છે. અદાલતે સાબીર ઉર્ફે રોરો કરીમભાઈ શેખ (ફતેપુરા) અને વિકી ઉર્ફે રવિ ઉર્ફે કાળુ કાળિયો રાજુભાઈ ભીટોરા (તુલસીવાડી) ને આ ગુનામાં કસૂરવાર ઠેરવી 5 વર્ષની સાદી કેદ તેમજ પ્રત્યેક આરોપીને રૂપિયા 5 હજારનો દંડ કોર્ટે ફટકારતો હુકમ કર્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Crime News: સરનામું પૂછવા તેમજ હથિયાર બતાવી છેડતી મામલે પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
આખરે સજાનું ફરમાન : બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 18માં એડી.ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ભરત ઓડેદરાએ નોંધ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત થાય છે. આરોપીએ મંદબુદ્ધિની છોકરી સાથે ગુનો કર્યો છે. જે માનવીય સંસ્થા તેમજ નૈતિક્તા વિરુદ્ધનો ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે. તે સંજોગોમાં આરોપીને કોઈપણ લાભ આપવો જોઈએ જ નહીં. આરોપીને લાભ આપવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડી શકે છે.