વડોદરા: શહેરના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 42મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા પરંપરાગત શહેરના સ્ટેશન વિસ્તારમાંથી શહેરના પ્રથમ નાગરિક મેયરના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થતી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ રથયાત્રામાં સૌ પ્રથમવાર રથયાત્રાની પાછળ પડનાર કચરાની સાફ સફાઈ માટે વીએમસી કર્મચારીઓ સાથે સ્ટુડન્ટ ફોર સેવા ગ્રુપના 100 વિદ્યાર્થીઓ સેવામાં જોડાયા હતા અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.
મેયરના હસ્તે પહિંદવિધિ પરંપરાગત રથયાત્રામાં વડોદરા મેયર નીલેશ રાઠોડે પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. જગન્નાથજીનો રથ શહેરના રાજમાર્ગ પર ફરી મોડી સાંજે મંદિર ખાતે પરત ફરવાનો કાર્યક્રમ નિર્ધારિત થયો હતો.
સ્વચ્છતાનો સંદેશો આપવાનો પ્રયાસ : રથયાત્રામાં પ્રથમવાર રથયાત્રા પાછળ પડનાર કચરાને સાફ કરવા વીએમસી સાથે સ્ટુડન્ટ ફોર સેવાના કાર્યકરો જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જતીન વસાવાએ જણાવ્યું હતું કે, ભવ્ય રથયાત્રામાં 100થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. રથની પાછળ થતી ગંદકીને સાફ કરવા માટે સૌથી મોટી જવાબદારી હોય છે. જે વીએમસીના સફાઈ કર્મીઓ તો કારતા જ હોય છે, પરંતુ સ્વચ્છતાનો સંદેશો આપવા માટે વિદ્યાર્થો જોડાયા છે. આ યુવાઓનું મોટા પાયે સફાઈ અભિયાન થકી મારુ વડોદરા સ્વચ્છ વડોદરા એ જ મુખ્ય ધ્યેય છે. આ અભિયાનમાં પંચમહાલ, આણંદ,વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ જોડાયા છે.
ભગવાનની રથયાત્રામાં વડોદરાના નાગરિકો સુધી સ્વચ્છતાનો સારો સંદેશો પહોચે તેવો અમારો પ્રયાસ છે. સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા તમામ વિદ્યાર્થીઓ એકસાથે મળી આ કાર્ય કરી રહ્યા છે. આખા સમાજને એકતા અને સ્વચ્છતાનો સંદેશો પૂરું પાડે છે...અમિત રામી(વિદ્યાર્થી)
અન્ય જગ્યાએ પણ સેવા આપી : આ અંગે નીર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ રથયાત્રામાં સેવાર્થ વિદ્યાર્થી સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે. આ તમામ વિદ્યાર્થી સુરત, કર્ણાવતી, વલસાડ અને વડોદરા ખાતે અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન થકી લોકોને વધુ જાગૃતિ ફેલાય તેવો અમારો પ્રયાસ છે.
હજારો ભાવિ ભક્તો જોડાયા : ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. આ ભાવિ ભક્તો નગરચર્યાયે નીકળેલ ભગવાનના દર્શન કરવા આતુર હતા. મહાપ્રસાદ રૂપે 35 ટન શીરાનો પ્રસાદ અને હજારો કેળાનો પ્રસાદ ભાવિ ભક્તોને પીરસવામાં આવ્યો હતો. રથયાત્રાનું પ્રસ્થાન થતાંજ ભાવિ ભક્તો હરે ક્રિષ્ણા, હરે રામના નાદ સાથે ઉત્સાહિત થઇ ઉઠ્યા હતા.
રથયાત્રા ક્યાંથી પસાર થઈ : પરંપરાગત 42મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રેલવે સ્ટેશન - કાલાઘોડા - સલાટવાળા નાકા - કોઠી કચેરી - રાવપુરા મુખ્ય માર્ગ - જ્યૂબેલીબાગ - પદ્યમાવતી શોપિંગ સેન્ટર - સુરસાગર - દાંડિયાબજાર - ખંડેરાવ માર્કેટ - લાલકોર્ટ/ન્યાયમંદિર - મદનઝાપા રોડ - કેવડાબાગ - પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થશે.