વડોદરા: સંસ્કારી નગરી વડોદરા એક મોટો ઈતિહાસ ધરાવે છે. શહેરના વિવિધ સ્થળો પર ઐતિહાસિક પ્રતિમાઓ અને સ્થળ આવેલા છે. જેમાંનું વડોદરા શહેરમાં આવેલું પ્રતાપનગર રેલવે સ્ટેશન એક છે. પ્રતાપનગર રેલવે સ્ટેશન વડોદરાની ઐતિહાસિક ધરોહરમાંનું એક છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે આ રેલવે સ્ટેશનનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું (king pratap singh statue missing )એવા પ્રતાપસિંહ ગાયકવાડની ઐતિહાસિક મૂર્તિ આજે અહિંયાથી ગુમ છે. એટલું જ નહીં સ્ટેશન પાસે આવેલ હેરિટેજ પાર્ક પણ હવે ખંડેર હાલતમાં પરિવર્તિત થઈ ગયું છે. યોગ્ય દરકારના અભાવે આ ઐતિહાસિક ધરોહર આજે દયનિય હાલતમાં જોવા મળી રહી છે
ઐતિહાસિક મૂર્તિ ગુમ: વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનું નામ પ્રતાપસિંહ ગાયકવાડના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જે બાદ આ રેલવે સ્ટેશન ખાતે પ્રતાપસિંહ ગાયકવાડની એક ઐતિહાસિક મૂર્તિ મૂકવામાં આવી હતી. પરંતુ આજે આ મૂર્તિની માત્ર તખ્તી છે, ત્યાંથી ઐતિહાસિક મૂર્તિ ગુમ છે. જેના નામ પરથી સ્ટેશનનું નામ રાખવામાં આવ્યું એ રાજાની ઐતિહાસિક પ્રતિમા ગુમ થઈ ગઈ છે, છતાં તેને લઈને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા.
નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે: ઈતિહાસ વિદ ચંદ્રશેખર પાટીલના જણાવ્યા અનુસાર, "અંદાજે 12 વર્ષ પહેલા આ રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જે સમયે આ મૂર્તિને તખ્તી પરથી ખસેડવામાં આવી હતી. જે બાદથી જ આ મૂર્તિ ગુમ છે. ફરી તેની સ્થાપના કરવામાં આવી નથી. આજે પણ આ તખ્તી અને પ્લેટ ફોર્મ મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડની ઐતિહાસિક મૂર્તિને ઝંખે છે. આ ઘટના ખુબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મહારાજ પ્રતાપસિંહ ગાયકવાડની મૂર્તિની શોધખોળ કરવામાં આવે, અને જો એ મૂર્તિ ન મળે, તો તેના સ્થાને અહિંયા નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે."
ટ્રેનના ડબા પણ સડીને તૂટી ગયા: વડોદરાનો ઈતિહાસ નવી પેઢી સુધી પહોંચે તે માટે પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે એક હેરિટેજ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવીઝન દ્વારા નિર્મિત આ હેરિટેજ પાર્ક આજે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. યોગ્ય દરકારના અભાવે અહિંયા ઠેર-ઠેર માત્ર કચરો જોવા મળી રહ્યો છે. હેરિટેજ પાર્કમાં આવેલી દુર્લભ ટ્રેનના ડબા પણ સડીને તૂટી ગયા છે. તેમજ ઈતિહાસને દર્શાવતા પોસ્ટરો અને બોર્ડ પણ ખરાબ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. અહિંયા આવેલો બાગ પણ કચરા પેટીમાં પરિવર્તિત થઈ ગયો છે. જોકે તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.