વડોદરા: વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચિકલીગર ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા છે. ચિકલીગર ગેંગ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ બનાવતાં હતાં. પોલીસ સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર આ ચિકલીગર ગેંગ વડોદરા શહેર અને ગ્રામ્ય માત્ર બંધ મકાનોને જ ટાર્ગેટ બનાવતા હતા, અને સોના - ચાંદીના દાગીનાઓની ચોરી કરતા હતા. આ ગેંગના ત્રણ જેટલા સાગરિતોને વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
3 સાગરિતોની ધરપકડ: વાઘોડિયાની ધીરજ ચોકડી પાસેથી વડોદરાના કોયલીના કિરપાલસિંહ ઉર્ફે પાલેસિંહ, રાજા સિંહ ડેસર અને ભીલસીંગ ઉર્ફે સંતોકસિંહ સેવાલિયા નામના ચિકલીગર ગેંગના સાગરિતોને ઝડપી પાડ્યાં છે, આ શખ્સોએ વાઘોડિયામાં એક, પાદરામાં બે, ભાદરવામાં બે,આણંદમાં એક તથા વડોદરા શહેરમાં 7 તેમજ ગોધરામાં બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઈસમો પાસેથી ચોરી કરવાના સાધનો બાઇક, મોબાઇલ તેમજ રોકડ મળી 69,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
10 લાખ સુધીની ચોરીની ઘટનાની કબુલાત: આ ત્રણેય ઈસમો ચોરી કરેલા ઘરેણાં સરખે ભાગે વહેંચી લેતા હતા. ચોરીના દાગીના સાવલીના સલીમ સોની, વડોદરા ફતેપુરાના અમિત પરિહાર તથા સરદાર એસ્ટેટના નિલેશ સોનીને વેચી દેતા હતા. આ ત્રણ ઈસમો પૈકી બે ઈસમોએ વાઘોડિયાના માડોધર ગામે ધનતેરસના તહેવારનો પણ લાભ ઉઠાવી રાત્રે બંધ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ભેદ ઉકેલાયો હતો. ઝડપાયેલા આરોપીઓ વિવિધ જગ્યાએ ચોરીના ગુનાની આશરે 10 લાખ સુધીની કબૂલાત આપી હતી.