વડોદરાઃ કોરોના વાઇરસને લઈ ભારતમાં દુનિયાનાં સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આગામી 21 દિવસ માટે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકોએ જનતા કરફ્યૂમાં શાંતિ જાળવી હતી, પરંતુ ત્યારબાદ બે દિવસ સુધી લોકોએ નિયમોનો ભંગ કર્યો અને સરકારને સાથ આપ્યો નહતો.
જેથી લોકોના સ્વાસ્થ્ય માટે શહેર પોલીસને રેપીડેક્શન કંપનીને બોલાવવાની ફરજ પડી છે. લોકડાઉન બાદ પોલીસ દ્વારા નાકાબંધી સઘન બનાવાઈ હતી. તેમ છતાં પણ શહેરમાં કેટલાક વિસ્તારોમાં લોકો માર્ગ પર નીકળી પડતાં જાહેરનામાનો ભંગ થતો હોવાનું સામે આવતાં શહેર પોલીસે રેપીડેક્શન ફોર્સને બોલાવવાની ફરજ પડી છે. હાલ શહેરમાં રેપીડેક્શન ફોર્સની એક કંપની આવી પહોંચી છે અને બંદોબસ્ત પર છે. તેમજ જુદા જુદા વિસ્તારોમાં રેપીડેક્શન ફોર્સ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે અને જો જાહેરનામાનો ભંગ થતો હોવાનું જણાઈ આવશે તો કડકમાં કડક પગલાં પણ ભરવામાં આવશે તેવી માહિતી મળી હતી.