વડોદરાઃ શહેરના પ્રખ્યાત વકીલ ભાવિન વ્યાસની ડીઝલ કૌભાંડમાં જવાહરનગર પોલીસે ધરપકડ કરી છે.સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા આ કેસમાં હવે પંચાલ બંધુ બાદ શહેરના નામી વકીલ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પેટ્રોલપંપ માલિકોને આપતા લોભામણી લાલચઃ વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી આ પંચાલ બંધુઓ વિવિધ પેટ્રોલ પંપના માલિકોને લોભામણી લાલચો આપતા હતા. કેટલાક પંપના માલિકો ડીઝલ કૌભાંડનો ભોગ બન્યા છે. દર્શન પંચાલ, તેમની પત્ની તથા તેનો સાળો વિવિધ પેટ્રોલ પંપ પર ડીઝલની ખરીદી પર મોટી ઓફર આપતા હતા.મોટો સરકારી કોન્ટ્રાકટ છે અને અમારે રોજ ડીઝલની વધુ જરૂરિયાત હોવાનું જણાવીને થોડાક સમય સુધી નિયમિત પેમેન્ટની ચૂકવણી કરી દેતા.વિશ્વાસ કેળવાઈ ગયા બાદ ડેબિટથી ચૂકવણી કરતા.આ મોડસ ઓપરેન્ડી થકી દર્શન પંચાલ અને ટોળકીએ અનેકને ચૂનો ચોપડ્યો હતો.
વકીલની ધરપકડ રાત્રે કરાઈઃ ક્રાઈમ બ્રાન્ચે પંચાલ બંધુઓની ધરપકડ કરી ત્યારબાદ ડીઝલ માફિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે વડોદરાના નામચીન વકીલ ભાવિન વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ગઈકાલે રાત્રે જવાહરનગર પોલીસ દ્વારા કરાઈ.
વકીલની ધરપકડથી ચકચાર મચી ગઈઃ આ કેસમાં પોલીસે ક્યા પૂરાવાના આધારે વકીલ ભાવિન વ્યાસની ધરપકડ કરી, ભાવિનની સંડોવણી કેટલી અને કેવી છે, ભવિષ્યમાં ભવિન વિરૂદ્ધ કયા પગલાં લેવાશે તેવા સવાલો ઊઠી રહ્યા છે. ભાવિન વ્યાસ શહેરના જાણીતા વકીલ હોવાથી વકીલ વર્તૂળ તેમજ સામાન્ય નાગરિકોમાં આ ધરપકડ સંદર્ભે ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ ડીઝલ કૌભાંડમાં પેટ્રોલ પંપ માલિકોને કરોડોનો ચૂનો ચોપડવામાં આવ્યો છે.