વડોદરા : વડોદરાના પ્રતાપનગર ઓવર બ્રિજથી હજીરા તરફ જવાનાં મુખ્ય માર્ગ ઉપર એક થાંભલો નમી ગયેલો છે તે આવતાંજતાં સૌ જૂએ છે પણ તંત્રની નજરે ચડતો નથી. આ થાંભલો ક્યારે પણ રસ્તા ઉપર પડી શકે છે. અહીંયાંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતાં હોય છે. જો આ થાંભલો અચાનક ધરાશયી થઇ જાય તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નથી.
આ થાંભલો જો અચાનક ધરાશયી થાય તો કોઈની પણ દિવાળી બગાડી શકે છે. તો વડોદરાનું વહીવટી તંત્ર આવી કોઈ પરિસ્થિતિની રાહ જોઈને બેઠું છે માટે કોઈ તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવી નાગરિકોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે...જાગૃત નાગરિક
આ બ્રિજ ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે : વડોદરા શહેરના પ્રતાપનગર ઓવર બ્રિજ ઉપર હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતાં હોય છે અને આ બ્રિજ ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. તેમજ આ બ્રિજ ઉપર વારંવાર અકસ્માત પણ સર્જાતા હોય છે. તાજેતરમાં જ બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બંને બાઇક ચાલકોનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પાયામાં પુરાણમાં તિરાડો : વડોદરા શહેરના વહીવટી તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જેમાં વડોદરાના પ્રતાપનગર ઓવર બ્રિજથી હજીરા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર એક થાંભલો નમી ગયેલો છે. તેમજ આ થાંભલાના પાયામાં કરેલા પુરાણમાં પણ તિરાડો જોવા મળી રહી છે. જેથી કોઇ ગંભીર બનાવ ન બને એ પહેલા તંત્રએ સજાગ રહી સવેળા આ કામગીરી પૂર્ણ કરી દેવી જોઈએ. જેથી કોઈ નિર્દોષ વ્યકિતની જાનહાનિ થાય નહીં. તંત્ર અને કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર ફોટા પડાવવામાં વ્યસ્ત રહેવાની સાથે પ્રજાને નુકશાન ન થાય અને તેની સુખાકારી જળવાઈ રહે તે માટે સતત સજાગ રહેવું જોઈએ એવી જાગૃત નાગરિકોની લાગણી અને માગણી છે.