વડોદરા : પાદરા મામલતદાર કચેરીમાં આવેલી કસબા તલાટીની ઓફિસને લટકતા ખંભાતી તાળાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા એક અઠવાડિયાથી નગરજનો વિવિધ યોજનાઓને લઈને કામ અર્થે આવે છે પરંતુ કસબા તલાટીની ઓફિસનું તાળું જ જોવા મળે છે.ત્યારે ઓફિસ એક અઠવાડિયાથી બંધ હોવાથી નગરજનો રોષે ભરાયા હતાં.
તંત્રની નિષ્કાળજી : એક તરફ મોદી સરકાર વિવિધ યોજનાઓને લઈને લાભાર્થીઓને લાભ લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પ્રેરિત કરી રહ્યા છે. ત્યારે પાદરાના કસ્બા તલાટી મોદી સરકારના સ્વપ્ન ઉપર અને પ્રજાને મળતા લાભો ઉપર પાણી ફેરવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ વહીવટી તંત્ર આવા ફરજ ઉપરના કર્મચારીઓ સામે ક્યારે પગલાં ભરશે તેવી લોકમાં ઉઠવા પામી છે. પાદરાનગર અને તાલુકાના લોકો કસબા તલાટીની ઓફિસને લગતા વિવિધ કામો લઈને છેલ્લા એક અઠવાડિયાથી આવે છે. પરંતુ કસબા તલાટીની ઓફિસે ખંભાતી તાળાં લાગેલા જોઈને પોતાનો કિંમતી સમય વેળફીને પરત જવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આજે સ્થાનિક લોકોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.
પ્રજાજનોનો આક્રોશ : મોદી સરકાર ડિજિટલ યુગને પ્રાધાન્ય આપીને આજના ઝડપી જમાનાની અંદર લોકોના કામ ઝડપથી અને સરળતાથી કઈ રીતે થઈ શકે એવી વ્યવસ્થાઓ ગોઠવી છે. પરંતુ આવા ગુલ્લેબાજ કર્મચારી સરકારના સ્વપ્નને ઠેસ પહોંચાડી રહ્યું છે અને લોકોને એક અઠવાડિયાથી સરકારી કચેરીઓના પગથિયા ઘસવાનો વારો આવ્યો છે. જેથી ઉચ્ચ અધિકારીઓએ આવા કર્મચારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ લોકોએ ઉઠાવી હતી.
એક જ સ્થળેથી કામ : પ્રવર્તમાન સરકાર દ્વારા સમગ્ર દેશમાં એક જ સ્થળેથી પ્રજાના કામ થઈ શકે તેવા ઉચ્ચ હેતુથી તાલુકા તાલુકા કક્ષાએ નગરસેવા સદન કેન્દ્રો ઉભા કરવામાં આવે છે અને આ કેન્દ્ર ઉપરથી પ્રજાના સંપૂર્ણ કાર્યો થઈ શકે તે માટે વિવિધ ઓફિસો આ કેન્દ્રમાં ઊભી કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક સેન્ટરો ઉપર ખાતાકીય ઓફિસોમાં કર્મચારીઓ સમયસર પહોંચતા નથી અને પ્રજાને વારંવાર એક કામ માટે ધક્કા ખવડાવતા હોય છે. તેનો તાજો દાખલો વડોદરા જિલ્લાના પાદરા સેવાસદન ખાતે બહાર આવ્યો હતો. સમગ્ર જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ આવા કેન્દ્રોની મુલાકાત લઈ કર્મચારીઓને રંગેહાથે પકડે તેવી લોકમાં ઉઠવા પામી હતી.