વડોદરા : રાત્રીના સમયે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં અને નગરજનો વીજ કંપનીની કચેરીમાં મોટી સંખ્યામાં ધસી ગયાં હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો. કચેરી ખાતે હાજર મધ્ય ગુજરાત વીજ કંપનીનાં કર્મચારીઓએ નગરજનોને ઉદ્ધત જવાબો આપતાં નગરજનો વિફર્યાં હતાં અને કંપનીનાં વહીવટ અંગે હોબાળો મચાવી હલ્લાબોલ કર્યો હતો. પરિણામે લોકોનાં રોષથી બચવા માટે હાજર કર્મચારીઓએ પોલીસ પ્રોટેક્શન લેવાનો વારો આવ્યો હતો.
વીજ વિભાગમાં હલ્લાબોલ : સમગ્ર ઘટના બાબતે ડભોઈનગરના મોટી સંખ્યામાં નગરજનો કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતાં. અને હલ્લાબોલનો માહોલ સર્જાયો હતો. કચેરીમાં ઉપસ્થિત ફરજ ઉપરના કર્મચારીએ પોતાના સ્વબચાવ માટે પોલીસને જાણ કરી હતી. જેને લઇ મોટી માત્રામાં પોલીસનો કાફલો વીજ કાર્યાલય ખાતે પહોંચી સમગ્ર મામલો થાળે હતો.
રાત્રિના સમયે જુનિયર એન્જિનિયરની ગેરહાજરી : રાત્રિના સમયે રાત્રે આઠ વાગ્યાના સમય દરમિયાન ડભોઇ નગરની કેટલાક વિસ્તારોની લાઇટો બંધ થઈ ગઈ હતી. જેને પગલે ડભોઇ નગરના નગરજનો મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યાલય ખાતે આવી પહોંચતા કોઈ જુનિયર એન્જિનિયર ફરજ ઉપર હાજર ન હતા. જાણવા મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડભોઈ ખાતે ફરજ બજાવતાં ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના હેંડ કવાટર્સ ઉપર રહેતાં નથી. પરિણામે સમયસર કામગીરી અને મેન્ટેનન્સ થતું ન હોવાથી નગરજનોને હાલાકી ભોગવવી પડે છે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી હતી.
રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જતા મધ્ય ગુજરાત વીજ કંપનીના હેલ્પલાઇન ઉપર સંપર્ક સાધવાના પ્રયત્નો કર્યા હતાં. પરંતુ હેલ્પલાઇન સંભાળતા કર્મચારી પણ હેલ્પ લાઈન ઉપર આવતા નંબરોનો કોઈ જવાબ અપાતો ન હતો. જેથી નગરજનો વીજકચેરીમાં આવી પહોંચ્યાં હતા... સ્થાનિક
દિવસે પણ બંધ હતો વીજ પુરવઠો : રાત્રિના સમયે નગર અંધારપટમાં ડભોઈમાં મોટાં ભાગના વિસ્તારોમાં વીજ કંપનીની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વહેલી સવારથી જ વીજ પુરવઠો બંધ હતો. જે પાંચ - છ કલાક બાદ પુનઃ ચાલુ થયો હતો. પરંતુ કંપનીના અંધેર વહીવટને કારણે ફરીથી મોડી સાંજે પુન: વીજ પુરવઠો ખોરવાઈ જતાં નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
અંધારાં ઉલેચવાનો વારો આવ્યો : સતત વીજ પુરવઠો બંધ રહેવાને લઇને હેરાનપરેશના નગરજનોનો પિત્તો જતાં કચેરીમાં પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો અને હાજર કર્મચારીઓને આ રોષનો ભોગ બનવું પડયું હતું. છેવટે હાજર કર્મચારીઓની કલાકોની મહેનત બાદ કેટલાક વિસ્તારોમાં પુનઃ વીજ પ્રવાહ ચાલુ થતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રી સુધી વીજ પુરવઠો પુન: શરૂ કરી શકાયો ન હતો. જેથી આ વિસ્તારનાં નગરજનોને અંધારાં ઉલેચવાનો વારો આવ્યો હતો.