ડભોઇ : ડભોઇનું જૂનું એક નામ દર્ભાવતી નગરી છે અને સંસ્કારી નગરી તરીકે જાણીતી છે. કવિ દયારામને પણ આ નગરી સાથે ન્યારો રહેલો છે. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક વલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્ર આચાર્ય વિઠ્ઠલનાથજીને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનો ગુસાંઈજીના નામે પૂજન કરે છે. ગુસાંઈજીની 509મી જન્મ જયંતિ નિમિત્તે નગરમાં વિવિધ જગ્યાએથી શોભાયાત્રાઓ નિકળી હતી. ગુસાઇજીના જન્મ જયંતી મહોત્સવના મુખ્ય મનોરથી વડોદરાના ચંદ્રગોપાલ ગોવિંદલાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી હતાં જેઓ જે મૂળ ડભોઇના જ વતની છે. ડભોઇ વૈષ્ણવ સમાજે ભારે ઉત્સાહ ઉમંગથી ધાર્મિક વાતાવરણમાં આજરોજ જન્મ જયંતિ ધામધૂમથી ઉજવી હતી.
વૈષ્ણવ જ્ઞાતિજનો દ્વારા ઉજવણી : ડભોઇ નગરમાં દશાલાડ વૈષ્ણવ, ઝારોલા વૈષ્ણવ સમાજના જ્ઞાતિજનો દ્વારા આ ઉત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. દર્ભાવતી નગરીમાં વસતા હજારો ઉપરાંત વૈષ્ણવોએ ગુંસાઈજીની જન્મ જયંતિ નિમિત્તે ડભોઇ ઝારોલા વાગામાં આવેલ દ્વારકાધીશ મંદિર, વિશાલલાડ વાગામાં આવેલ શ્રીનાથજીની હવેલી તેમજ ઉમા સોસાયટીમાં આવેલ છોટા દ્વારકાધીશની હવેલીમાં સવારથી જ મંગળવાદ્ય અને વધાઈથી ગાજી ઉઠી હતી. હવેલીઓને ફુલહાર અને ડેકોરેશનથી શણગારવામાં આવી હતી. ઝારોલા વાગામાં આવેલ દ્વારકાધીશ હવેલીમાં સવારના દસ કલાકે સોનાના પલનાના મનોરથના દર્શન તથા રાજભોગમાં તિલકના દર્શન થતા હજારો વૈષ્ણવોએ આ દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો.
શોભાયાત્રાનું પ્રસ્થાન : ઝારોલા વૈષ્ણવ સમાજ દ્વારા આજરોજ સાંજના સુમારે ડભોઇના ઝારોલા વાગાના વૈષ્ણવ બાલકૃષ્ણ શાહના નિવાસસ્થાનેથી નીકળેલી શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો કેસરી રંગના ઉપરણા ઓઢીને જોડાયા હતાં. જ્યારે મહિલાઓએ માથે કળશ લીધા હતાં. આ શોભાયાત્રામાં સજાવેલી વિક્ટોરિયામાં ગુંસાઈજીની છબીની પધરામણી કરી હતી. આ શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી.
ગરબા અને આતશબાજી કરાયાં : શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતાં મહિલાઓએ ગરબાની ભવ્ય રમઝટ બોલાવી હતી. સુંદર આતશબાજી કરવામાં આવી હતી. આ શોભાયાત્રા જોવા માટે રાજમાર્ગો પર લોકો ઉમટી પડ્યા હતાં. દ્વારકાધીશ હવેલીએ શોભાયાત્રા આવી પહોંચતા મનોરથી ચંદ્ર ગોપાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી દ્વારા શોભાયાત્રાને ફૂલો વડે વધાવી હતી. આજ રીતના નગરમાં દશાલાડ સમાજના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નિકળી હતી. આ બંને શોભાયાત્રાઓએ નગરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ હવેલી ખાતે દરરોજ પાઠનું સ્મરણ કરવામાં આવતું હતું. તેમજ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પૂરી થયા બાદ રાત્રે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ સૌ વૈષ્ણવોએ લીધો હતો.