વડોદરા : સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કેટલાક શહેરોમાં તો યલો અલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યાં વડોદરામાં અતિશય ગરમીના કારણે શહેરના ડામરના રોડ પીગળી રહ્યા છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં ડામરના મુખ્ય માર્ગ પર એકાએક ડામર પીગળતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે આજે શહેરમાં રાહદારીઓને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષે પીગળતા રોડ પર રેતી નાખવાની કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ આપી દીધી છે.
રોડ બનાવનાર કોન્ટ્રાકટરોના કામનો પુરાવો : વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે બનાવેલ ભાયલી રોડ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે પીગળી રહ્યો છે તેનો ભોગ નાગરિકો બની રહ્યા છે. ડામરના રોડ બનાવવામાં કરેલી બેદરકારી આજે ડામર પીગળતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલકી પડી રહી છે. કેટલાક રાહદારીઓના પગના ચપ્પલ પણ રોડના ડામર સાથે ચીપકી જાય છે અને રાહદારીઓ ત્યાંજ છોડીને જવા મજબૂર બની રહ્યા છે. તો બીજી તરફ વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી રહી છે. આ ડામર પીગળતા વાહનો પણ સ્લીપ થવાના બનાવો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે સત્વરે આ ડામરના રોડ પર યોગ્ય મરામત કરી યોગ્ય કરવો જોઈએ.
આ પણ વાંચો Hatkeswar Bridge : હાટકેશ્વર બ્રિજ બનાવવામાં ગેરરીતિ કરી ઠગાઈ આચરનાર એજન્સી સામે નોંધાયો ગુન્હો
રાહદારીઓનો અનુભવ : આ અંગે સ્થાનિક રાહદારી અર્જુન ભાઈએ જણાવ્યું હતું કે આજે મારે રજાનો દિવસ હતો અને હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડામર પીગળવાના કારણે તફલીફ પડી રહી છે અને ઉપરથી ભયંકર તાપ પડી રહ્યો છે. ઉનાળાની હજુ તો માંડ શરૂઆત થઈ છે ત્યારે આ પ્રકારની દુર્દશા છે તો પછી આગળ શું થશે. તેઓએ જણાવ્યું કે જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં ડામર જોવા નથી મળતો અને અહીં જે કૉમ્બ્યુનેશન થવું જોઈએ તે યોગ્ય પ્રમાણમાં થયું નથી.
રેતી નાખવાની સૂચનાઓ આપી : આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં ડામર પીગળતા રેતી નાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. ગરમીના કારણે સિલકોટ થઈ શકે છે. સિલકોટ એટલે કે જે ડામરનું એક પાતળું પ઼ડ હોય છે જે રોડ બન્યા બાદ નાખવામાં આવે છે જેમાં યોગ્ય રીતે કામગીરી ન થઈ હોય તો આવું થઈ શકે છે. સિલકોટના કારણે ડામરના રોડની સમય મર્યાદામાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું. હાલમાં સૂચનાઓ આપવામાં આવી છે કે શહેરમાં જ્યાં પણ આ રીતે ડામર પીગળવાની સમસ્યા સામે આવશે ત્યાં રેતી નાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો વડોદરાના ભાઈલી TP 1 થી 5 વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવાની માગ
અગાઉ પણ ડામર પીગળ્યો હતો : ઉલ્લેખનીય છે કે શહેરમાં આ અગાઉ પણ આજ પ્રકારે કેટલાક વિસ્તારમાં ગરમીના કારણે હથિખાના વિસ્તારમાં રોડ પીગળવાની સમસ્યા સામે આવી હતી. જેમાં સ્થાનિકો ભારે મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હતા. ત્યાર બાદ સ્થાનિકોની રજૂઆતના કારણે આ વિસ્તારમાં પણ ડામરના રોડ જ્યાં પીગળી રહ્યા હતાં ત્યાં રેતી નાખી મરામત કરવામાં આવી હતી.