વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલ વારંવાર વિવાદોના વમળમાં અટવાતી હોય છે. ત્યારે તે ફરી વિવાદમાં આવી છે. મોડી સાંજે સયાજી હોસ્પિટલમાં આવેલા બાળ વિભાગમાં દાખલ બાળકીના પરિવારજનો બાળકીના મોત બાદ હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં બાળકીના પરિવારજનોએ આક્રોશમાં આવી હોસ્પિટલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. પરિવારજનોએ સારવાર કરનાર તબીબ ઉપર ભારે આક્ષેપો સાથે હાહાકાર મચાવ્યો હતો.
સમગ્ર મામલો શું હતો : સયાજી હોસ્પિટલમાં બાળ વિભાગમાં એક બાળકીને પગમાં તકલીફ હતી. જેના કારણે એમઆરઆઈ કઢાવવા માટે લાવ્યા હતા. બાળકીને ઇન્જેક્શન આપ્યા બાદ બાળકી ઉઠી ન હતી. જેને લઈને પરિવારના મહેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, બાળકીને લઈ અમે સયાજી હોસ્પિટલમાં MRI માટે આવ્યા હતાં. ચાર દિવસથી અહીં આવેલા છીએ અને બાળકીની તબિયત સારી હતી. બાળકી જાતે ચાલીને MRI માટે અહીંથી ગઈ હતી. MRI માટે બેભાન થવાનું ઇન્જેક્શન આપ્યા બાદ બાળકી બેભાનમાંથી બહાર આવી જ નહીં. જેથી ડૉક્ટરે આપેલ બેભાન થવાના ઈન્જેકશનનો ડોઝ વઘુ હશે એ વાતને નકારી શકાય નહીં. ડૉક્ટરની ભૂલના કારણે અમે તો અમારી બાળકીને ગુમાવી દીધીને જેવી ફરિયાદ કરી હતી.
આ હોસ્પિટલમાં ડોક્ટરો પ્રેક્ટિસવાળા આવે છે. અહીયા કોઈ સિનિયર ડોક્ટર અહીં આવતા નથી. જેના કારણે આ ઘટના બનતી છે. અમારી બાળકીના કેસમાં પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. ડોક્ટરે બેભાન ઇન્જેક્શનમાં હાઈડોઝ હોવાથી બાળકી ભાનમાં આવી જ નહીં. બાળકીને તપાસવા આવતા ડોક્ટરો પણ અમો પ્રેક્ટિસવાળા છે એમ કહેતા હતાં એ વાત સાબિત થઈ છે...બાળકીના પરિવારજન
તબીબની પ્રતિક્રિયા : આ બાળકીના મોત નીપજ્યું તે બાબતે ડૉ. વૈશાલીએ જણાવ્યું હતું કે, આ પીડિયાટ્રિક વિભાગ છે. અહીંયા એક બાળકીનું કમનસીબે મોત નીપજ્યું છે. આ બાળકીને સ્નાયુની બીમારી હતી. ધીમે ધીમે આ બાળકીના સ્નાયુ નબળાં પડી રહ્યાં હતાં. આ ઘટનામાં કોઈ વધારે ડોઝ આપવામાં આવ્યો નથી. સ્વાભાવિક છે કે પરિવારજન જ્યારે આવી ઘટનામાં હોય છે ત્યારે બીજા પર આરોપ લગાવે છે. રોજે રોજ કેટલાય બાળકો આવે છે અને 99 ટકા બાળકો સાજા થઈને જાય છે. આ બાબતમાં વાલીએ આ વિભાગમાં તોડફોડ કરી છે. ત્યારે અમે આ બાબતે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સાથે મિટિંગ કર્યા બાદ કાર્યવાહી કરીશું.
રાવપુરા પોલીસ દોડી આવી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ બાળકીના વાલીએ બાળકીના મૃત્યુનો આક્રોશ ઠાલવ્યો હતો. જેથી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં તોડફોડ કરતાં રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટનાપહોંચી મામલો થાળે પાડયો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.