વડોદરા : વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હિન્દુ ધર્મમાં દેવીશક્તિની આરાધનાના દિવસો એવી ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. તો આવતીકાલથી મુસ્લિમ સમાજમાં રમઝાનના પવિત્ર માસની શરૂઆત થઇ રહી છે. આ ધાર્મિક તહેવારોને લઈ લોકો ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસમાં ખોરાક તરીકે મોટાભાગના લોકો વિવિધ ફળોનો સહારો લેતા હોય છે. ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટમાં આવેલ ફ્રુટ બજારમાં ફ્રુટના ભાવમાં તેજી જોવા મળી રહી છે. હાલમાં રોજ બરોજ કરતા 20 થી 25 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેથી મોંઘવારીનો માર પ્રજાના માથે પડ્યો છે.
વરસાદથી નુકસાન : સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે થયેલ નુકસાનના કારણે માર્કેટમાં જોવા મળતા ફળોના ભાવમાં થયેલા વધારાનું એક કારણ હોઈ શકે છે. સાથે જ રાજ્યમાં શરૂ થયેલા તહેવારોને લઈ લોકો ઉપવાસમાં ખવાતા ફળોને લઈ ખરીદી કરી રહ્યા છે. જેના કારણે ફળોના ભાવમાં અંશતઃ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો Chaitri Navratri 2023: સુરતમાં માઈ ભક્તો વહેલી સવારથી દર્શન માટે ઉમટ્યા, વ્રત-તપ શરૂ
ગૃહિણીઓ નિરાશ : ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. જ્યાં એક કિલો ફળ ખરીદતા હતા ત્યાં માત્ર 500 ગ્રામથી ચલાવવું પડે છે. માત્ર ફળો જ નહીં પરંતુ શાકભાજીના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે પણ મહિલાઓ શાકભાજીની ખરીદી કરવા માટે સંકોચ અનુભવી રહી છે. ભાવ વધારાના કારણે ક્યાંક તહેવારોમાં પણ ફિકાશ જોવા મળી રહી છે
25 ટકા સુધી ભાવ વધ્યાં : ફળોમાં ભાવ વધારાને લઇને ફળોના વેપારી જીતુભાઈ જણાવ્યું હતું કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને આવતીકાલથી રમજાન મહિનાની શરૂઆત થતા ઉપવાસ થતાં હોય છે. હાલમાં ફળોમાં 20 થી 25 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે કેટલાય ખેડૂતોને કેરીમાં ખૂબ નુકસાન થયું છે જેથી ફળોના માલમાં પણ શોર્ટેજ જોવા મળી રહી છે સાથે ભાવ પણ બમણો થઈ ગયો છે. એમાં અલગ અલગ ફળોમાં અલગ અલગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. બધી જ વસ્તુમાં જોવા જઈએ તો 30 થી 35 ટકા ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો Chaitra Navratri 2023: નવ દિવસના ઉપવાસ દરમિયાન આ સરળ રીતે બનતા નાસ્તા ઘરે અજમાવો
ભાવ પ્રતિકિલો : વડોદરાના બજારમાં આજની તારીખમાં ફળોના ભાવ જાણવા મળ્યાં હતાં. તે જોઇએ તો સફરજન 160 રૂપિયા, પેરૂ 200 રૂપિયા, કેળા 50 રૂપિયા, મોસંબી 80 રૂપિયા, દાડમ 160 રૂપિયા, કીવી 180 રૂપિયા, સંતરા 60 રૂપિયા, તરબૂચ 20 રૂપિયા, ટેટી 40 રૂપિયા, અનાનસ 80 રૂપિયા, દ્રાક્ષ 100 રૂપિયા, પપૈયા 60 રૂપિયા, ચીકુ 80 રૂપિયા, બદામ કેરી 160 રૂપિયા, લાલબાગ કેરી 200 રૂપિયા અને હાફૂસ કેરી 300 રૂપિયાનો ભાવ છે.