વડોદરા : વડોદરા સ્થિત વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 71માં પદવીદાન સમારોહનું આયોજન 18 માર્ચે થયું હતું. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરાના અકોટામાં આવેલા સર સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં 191 વિદ્યાર્થીઓને કુલ 302 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. જ્યારે 14,761 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.જોકે સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટેની અપૂરતી બેઠક વ્યવસ્થાને લઇને હોબાળો થતો જોવા મળ્યો હતો. પદવીદાન કાર્યક્રમ શરુ થાય એ પહેલાં વિદ્યાર્થીઓ દ્વારા સયાજી ગૃહની બહાર અપૂરતી બેઠક વ્યવસ્થાને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો.
ડિજિટલ લોકાર્પણ : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 71માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપરાંત ગુજરાતના આરોગ્ય અને શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ પણ હાજર હતાં. પદવીદાન સમારોહ સહિતના આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના નવા બનાવાયેલા MRID ભવનનું ડિજિટલ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Vadodara News: કર્મીઓને PF લાભથી વંચિત રાખવાનું કાવતરું સરકારે પાડ્યું બહાર, 5 કરોડ જમા કરાવવા આદેશ
વિદ્યાર્થીઓને મેડલ : એમએસ યુનિવર્સિટીના આ 71માં પદવીદાન સમારોહમાં કુલ 14,761 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. યુનિવર્સિટીની કુલ 15 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં કુલ 302 ગોલ્ડ મેડલ કુલ 191 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. ગોલ્ડ મેડલ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓમાં 114 વિદ્યાર્થિનીઓને 187 ગોલ્ડ મેડલ અને 77 વિદ્યાર્થીઓને 115 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.
બેઠક વ્યવસ્થા ન જળવાઈ : એમ.એસ.યુનિ.ના 71માં પદવીદાન સમહરોહમાં કાર્યક્રમની શરૂઆતમાં બેઠક વ્યવસ્થાને લઇ વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટી દ્વારા અગાઉ કાર્યક્રમના સ્થળમાં હવામાન વિભાગની અગાહીના પગલે કાર્યક્રમ સ્થળ કોનવોકેશન ગ્રાઉન્ડથી શહેરના અકોટા ખાતે આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પૂર્વે ગૃહમાં મર્યાદિત 1000 ની કેપેસિટી સામે હજારો વિદ્યાર્થીઓ સયાજીનગર ગૃહ પહોંચ્યા હતા. જેથી અંદર કરતા બહાર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાયા હતા.
સેનેટ મેમ્બર વિરોધ : વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી હાય હાય અને વીસી હાય હાયના નારા પોકારી વિરોધ દર્શાવ્યો હતો. આ દરમ્યાન વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. વિદ્યાર્થીઓનો રોષ એટલા માટે હતો કે તેમની પાસે સમારોહમાં ઉપસ્થિત રહેવાની 520 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી હતી છતાં વિદ્યાર્થીઓને બેસવા માટે વ્યવસ્થા ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આવેલ સેનેટ મેમ્બર નરેન્દ્ર રાવત અને કપિલ જોષી અને નિકુલ પટેલ દ્વારા આ મુદ્દે લઇ વિરોધ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી.
520 રૂપિયામાં ડીગ્રી લેવા આવ્યા : આ અંગે વિદ્યાર્થી તેજસ સોલંકીએ જણાવ્યું હતું કે આજે યોજાઈ રહેલ પદવીદાન સમારોહમાં અલગ અલગ રાજ્યમાંથી અમે અહીં આવ્યા છે. અહીં આવીને વિદ્યાર્થીએ જોઈ રહ્યા છે કે આપણા માટે અહીં જગ્યા નથી. માત્ર 520 રૂપિયાની ડીગ્રી લેવા આવ્યા છે. 520 રૂપિયા ભરી આ સમારોહમાં સામેલ થઈ શકે છે તેવી ફી ઉઘરાવી અહીં જગ્યા નથી. ત્રણ વર્ષ સુધી રાહ જોયા બાદ પણ આ રીતે ધક્કા ખાવા પડે છે.
વ્યવસ્થા થઈ રહી છે : સમગ્ર હોબાળા અંગે એમએસ યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે આ કોન્વોકેશન ગ્રાઉન્ડથી સ્થળ બદલવાની ફરજ પડી હતી. સયાજીનગર ગૃહ ખાતે શહેરમાં સૌથી મોટી આ ગૃહમાં બેઠક વ્યવસ્થા છે. બાકીના વિદ્યાર્થીઓને બહાર ડિજિટલ ડિસ્પ્લેના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને મેમ્બરની પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સયાજી રાવની દેન હોવથી કોર્પોરેશનના કોર્પોરેટર આવી શકે છે. આ આમ બેઠક વ્યવસ્થાને લઈ લૂલો બચાવ કરવામાં આવ્યો હતો.