વડોદરાઃ સંસ્કારીનગરી વડોદરામાં હવે પાલતુ શ્વાન રાખનારા લોકોએ મહાનગરપાલિકાને વેરો ચૂકવવો પડશે. મહાનગરપાલિકાએ આ માટે નવો નિર્ણય કર્યો છે. કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મુજબ, દર 3 વર્ષે 1,000 રૂપિયાનો વેરો લેવામાં આવશે. જોકે, વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા હાલ કરવામાં અવી નથી. પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસૂલવાની તૈયારી વડોદરા મનપા દ્વારા કરી લેવામાં આવી છે. વેરા વસૂલાતની ચર્ચા પણ શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે, તેની માહિતી વડોદરા મનપા પાસે નથી.
આ પણ વાંચો AMC Budget 2023 : એએમસી બજેટ 2023માં શહેરની સમસ્યાઓના ઉકેલ માટે કેટલી નાણાંની થઇ ફાળવણી?
ઈતિહાસમાં પહેલીવાર વેરો: વડોદરાથી આવી રહેલા આ સમાચાર અત્યંત ચોંકાવનારા કહી શકાય. રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત વડોદરા પાલિકા પાલતુ શ્વાનનો પણ વેરો ઉઘરાવશે. બજેટમાં વેરા વધારવાની સાથે એન્વાયર્નમેન્ટ ટેક્સ પછી વધુ એક ટેક્સ ઝિંકવામાં આવ્યો છે. જોકે, શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે, તેની માહિતી જ મનપા પાસે નથી. પાલતું શ્વાનના વેરા પેટે વર્ષે રૂપિયા 1 કરોડ જેટલી રકમ વડોદરાવાસીઓ પાસેથી લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાયી સમિતિમાં ચર્ચા મુજબ, દર ત્રણ વર્ષે 1,000 રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવશે.
સરેરાશ રોજના 25 લોકો ડોગ બાઈટના શિકાર: અહીં વિવિધ ક્લબોમાં 25,000 રજિસ્ટર્ડ શ્વાન અને બીજા મિક્સબ્રીડ 25,000થી વધુ હોવાની શક્યતા છે. મહત્વનું છે કે, વડોદરામાં દરરોજ 25 લોકોને રખડતા શ્વાન કરડી જવાને કારણે લોહીલુહાણ થાય છે. કરોડોનો ખર્ચ ખસીકરણમાં થયો છે, જેમાં પાલિકા નિષ્ફળ સાબિત થઇ છે પણ શ્વાન વેરા જેવા કર નાંખવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.
પાલિકાની નવી પહેલ: અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં શ્વાન પર ટેક્સ નથી. અમદાવાદમાં જીપીએમસી એક્ટમાં પાલતુ પ્રાણીનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પરંતુ એકેય પ્રાણીનું રજિસ્ટ્રેશન નથી. સુરતમાં પાલતું પ્રાણીઓની સંખ્યા 2 લાખ જેટલી છે પણ પાલતુ પ્રાણીઓ પર વેરો વસૂલવામાં આવતો નથી અને નોંધણી થતી નથી. રાજકોટમાં પાલતુ શ્વાનની સંખ્યા 16 હજારની આસપાસ હોવાનો અંદાજ છે, પરંતુ પાલિકા પાલતુ પ્રાણીનો વેરો વસૂલતી નથી.
સૌથી પહેલા ડોગ પાર્ક ઊભા કરોઃ આ અંગે એક ડોગ માલિકે જણાવ્યું હતું કે, આ નિર્ણયને હું વખોડું છું. અત્યારે શ્વાન વેરો લઇ રહ્યા છે. કાલે ઉઠીને મારા બાળકનો વેરો માગશે અને જે શબ્દોનો પ્રયોગ કર્યો છે. શ્વાન અમારા પરિવારના સભ્ય છે. અમારું બાળક છે. અમારે સરકારને કહેવું છે કે, તમે ટેક્સ વસૂલો પણ એની સામે ડોગ પાર્ક ઊભા કરો. વડોદરા શહેર અત્યારે કોંક્રીટનું જંગલ થઇ ગયું છે એમાં અમારા છોકરાઓને લઈને ફરવું ક્યાં ફરવાની જગ્યા નથી મળતી. એટલે અમારા છોકરાઓ અગ્રેસિવ થઇ ગયા છે. તમે અવારનવાર જોતા હસો કે શ્વાને હુમલો કર્યો એનું કારણ એ જ છે એમને ફરવાની જગ્યા નથી મળતી. તો મારી સરકારને એક જ અપીલ છે કે, સૌથી પહેલા ડોગ પાર્ક ઊભા કરે પછી ટેક્સ વસૂલવાનું વિચારે .
ખર્ચમાં સુધારો કરાયોઃ આ અંગે કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, કૉર્પોરેશનની આ વખતની સ્ટેન્ડિંગ કમિટીમાં દર વખતે આ પ્રકારની સ્થિતિ હોય છે. એમાં ખર્ચ નિયત હોય છે. એ ખર્ચના ભાગરૂપે કૉર્પોરેશન જે પ્રકારે વેરો લેતી હોય છે. એમાં 500 રૂપિયા પર યર પેટ ડોગ જે પોતાના ઘરમાં પાલતું શ્વાન રાખતા હોય છે. આવા વડીલો ભાઈઓ માટે આ વિષય આવતો હોય છે અને જે પ્રકારે ખર્ચ છે અને આ વખતે સુધારો કરીને દર વર્ષે 500ની જગ્યા એ 3 વર્ષે 1,000 રૂપિયા આ પ્રકારની ખર્ચ કરી છે. એમાં ચોક્કસ ઘટાડો પણ કર્યો છે અને ઓનલાઈન તરફ પણ જઈ રહ્યા છે. એક માહિતી દ્વારા પેટ ડોગના ક્લીનીક વધ્યા છે અને એના ચાહકો પણ વધ્યા છે. 7થી 8,000 પેટ ડોગ વડોદરા શહેરમાં હોઈ શકે છે. એક રજિસ્ટેશન ચોક્કસ થાય આ પ્રકારની વાત ચોક્કસ આ બજેટમાં લાવ્યા છે.