વડોદરા : માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જે સરકારી ઇમારતોના વીજ બિલ બાકી હતા. તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ સેવાસદનનું વીજ કનેક્શન કાપી નાખતા ઓનલાઇન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેને લઈને અનેક અરજદારો અટવાયા હતા.
1,54,000 જેટલું બીલ બાકી : ડભોઈમાં સરકારી ઓફિસોમાં વીજ બીલ બાકી હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ડભોઇ સેવાસદનનું રૂપિયા 1,54,000 જેટલું વીજ બિલ બાકી હતું. જેના કારણે આ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે, MGVCL દ્વારા કાર્યવાહી કરવા અંગેની નોટિસ આપવામાં આવી હતી. તો આ સરકારી અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની તસ્દી લેવાઈ ન હતી. કર્મચારી વહીવટી કામમાં ધ્યાન આપી શક્યા ન હોવાને કારણે હાલ કામ અર્થે આવેલા અરજદારો અને નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : Dang News : ડાંગ વીજ વિભાગની સેવાના સો દિવસ, લક્ષ્યાંક કરતાં અઢીગણા વધુ કૂવાઓનું વીજળીકરણ
આમ જનતા લટકતા : મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગર સેવાસદન કાર્યાલયનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. જેને પગલે ડભોઇ સેવા સદન ખાતે આવેલા અરજદારોને કલાકો સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ અરજદારો પાસેથી મળતી માહિતી મુજબ આ સેવા સદન બિલ્ડીંગમાં વહીવટ કરતા કર્મચારીઓ અરજદારોને યોગ્ય જવાબ આપતા નથી. કેટલાક અરજદારોએ જણાવ્યું હતું કે, વહીવટી કામ અંગે આવતા હોઈએ છીએ પરંતુ આ ડભોઇ નગર સેવાસદનમાં અમારું કામ પૂર્ણ થતું નથી. વહીવટી અધિકારીઓના અંધેર વહીવટના કારણે અમોને ધક્કા જ ખાવા પડે છે. તેનતલાવના અરજદારે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી હું આ સેવાસદનમાં કામ અથૅ ધક્કા ખાઉ છું પણ કામ પૂર્ણ થતું નથી.
આ પણ વાંચો : Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજતાર અડતા મૃત્યું
અગત્યની કામગીરી અટકી : વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીથી દસ્તાવેજ સહિતનાં અગત્યનાં ઘણા સરકારી કામ અર્થે આવેલા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. સેવાસદન ખાતે મામલતદાર, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ બેસે છે, છતાં પણ આ પ્રકારની કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો. જોકે, હાલ મળતી માહિતી મુજબ વીજ કનેક્શનનું જોડાણ થઈ જતા જનતાએ રાહત અનુભવી હતી.