- વડોદરા શહેરમાં કોરોનાનો કહેર વધ્યો
- કોરોના સંક્રમણ ન વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો
- મંગળ બજારને 3 દિવસ માટે રાખવાનો નિર્ણય
વડોદરા : શહેરમાં કોરોનાનો કહેર વધતા ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવવામાં આવી હતી. જે બાદ શનિવાર સવારથી કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. વડોદરા શહેરમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરી કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતા હોય તેવી દુકાનો અને મોલ સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે વડોદરા શહેરના મંગળ બજારને 3 દિવસ માટે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાઇ લેવલ મિટિંગનું આયોજન
વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેમાં ભારત દેશ પણ બાકાત રહ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શુક્રવારે ડૉક્ટર વિનોદ રાવ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા હાઇ લેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કોરોના સંક્રમણ ન વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. શનિવાર વહેલી સવારથી કોર્પોરેશનની ટીમ વડોદરા શહેરના જુદા-જુદા વોર્ડમાં કામગીરી શરૂ કરી હતી.
મંગળ બજાર કોર્પોરેશનના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ત્રણ દિવસ માટે બંધ
એક વોર્ડ દીઠ કોર્પોરેશનની બે ટીમ કામે લાગી હતી. એક ટીમમાં 10 લોકો જોડાયેલા છે. શનિવારે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતા વેપારીઓની દુકાન અને મોલ સીલ કર્યા હતા. વડોદરા શહેરમાં સૌથી મોટું બજાર ગણાતું મંગળ બજાર જ્યાં મધ્ય ગુજરાતથી લોકો ખરીદી કરવા માટે આવે છે. મંગળ બજાર કોર્પોરેશનના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનની ટીમ દ્વારા મંગળ બજારમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તંત્ર આગામી સમયમાં વધુ કડક વલણ અપનાવશે.