વડોદરા: આગામી 14મી સપ્ટેમ્બરે જિલ્લા પંચાયત, 3 નગર પાલિકા અને 8 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી થવાની છે. પ્રમુખ, ઉપ પ્રમુખની અઢી વર્ષની ફર્સ્ટ ટર્મ આગામી ૧૭ સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. તેથી આ ચૂંટણીઓ માટે ભાજપે સેન્સ પ્રક્રિયા લીધી છે. સેન્સ પ્રક્રિયામાં માત્ર પ્રમુખ અને ઉપ પ્રમુખ જ નહીં પરંતુ કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેન્સ લેવાની કામગીરી માટે ભાજપે નિરીક્ષકોને વડોદરા મુલાકાતે મોકલ્યા છે. પ્રદેશ ભાજપે સુરેશ ભટ્ટ, મહેશ પટેલ અને કૈલાસબેન પરમારને નિરીક્ષકો તરીકે મોકલ્યા છે. નિરીક્ષકોએ વડોદરામાં સેન્સ પ્રક્રિયા આરંભી હતી અને સભ્યોનાં અભિપ્રાય લીધા હતાં.
મહિલા પ્રમુખ માટે સામાન્ય બેઠકઃ આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ અને ભાજપ જિલ્લા પ્રમુખ અને બરોડા ડેરી પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા), મહામંત્રી સહિતના હોદ્દેદારો પહોંચ્યા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી સેન્સ લઈ આગામી ટર્મ માટે કોણે પ્રમુખ - ઉપપ્રમુખ બનાવવા તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં તબક્કાવાર વડોદરા જિલ્લા પંચાયત, ૩ નગર પાલિકા અને ૮ તાલુક પંચાયતના હોદ્દેદારો માટેની સેન્સ લેવાઈ છે. બીજી ટર્મમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મહિલા માટે સામાન્ય બેઠક છે. જેમાં ચૂંટણી પ્રક્રિયા બાદ નિમણુંક કરવામાં આવશે.
સમગ્ર સેન્સ રિપોર્ટ પાર્લિયામેન્ટ્રી બોર્ડને મોકલાશેઃ ભાજપના નિરીક્ષક મહેશ પટેલના મતે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળીને તેમના અભિપ્રાય પ્રમાણે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશમાં સોંપવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. સુરેશભાઈ ભટ્ટ અને કૈલાશબેન પરમાર સાથે મળીને આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામને સાંભળ્યા બાદ અમે અમારો રિપોર્ટ પ્રદેશમાં મોકલી આપીશું જેનાં આધારે પ્રદેશનાં હોદ્દેદારો નિર્ણય લેશે.
કાર્યકરો મેન્ડેટને હંમેશા આવકારે છેઃ આ બધી પ્રક્રિયા પછી પાર્ટીના મેન્ડેટને તમામ કાર્યકર વધાવી લેતા હોય છે. બધા એક સાથે મળીને વડાપ્રધાન મોદીના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કરવા પહોંચી જાય છે. અઢી વર્ષમાં સારો વિકાસ થયો છે. હવે આવનારા સમયમાં પણ ભાજપની વિચારધારાને મજબૂત બનાવે તેવાં કાર્યદક્ષ પ્રમુખની નિમણૂક થવાની છે.