વડોદરા : વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા નજીક કછાટા ગામની સીમમાંથી એક અજાણ્યા શખ્સનું માનવ કંકાલ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે ખેતર માલિકે સમગ્ર બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે માનવ હાડપિંજર કબજે લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
ગામલોકોના ટોળા ઉમટયા : જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરા પાસે આવેલા કછાટા ગામની સીમના ખેતરની વરસાદી કાંસ પાસેથી અજાણ્યા પુરુષનું માનવ કંકાલ પડેલ જોતાં ખેતર માલિક ચોંકી ઉઠ્યા હતાં. જેથી તેઓએ આ બનાવ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તે સાથે સ્થાનિક ગામ લોકો એકત્રિત થઈ ગયાં હતાં. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસે વિડીયોગ્રાફી કરાવી : આ બનાવ બનતાની સાથે પોલીસ એક્શન મોડમાં આવી હતી. સમગ્ર જિલ્લામાંથી ગુમ થયેલા લોકોની વિગતો મંગાવી તપાસ હાથ ધરી. પરંતુ મહત્વની વાત એ છે કે, કંકાલની ઓળખ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર બનાવ અંગે ખેતર માલિકે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી વિડીયોગ્રાફી કરી, FSLની ટીમનો સહારો લઈ જલ્દીથી આ અંગેનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી દીધી છે. - PSO (વાઘોડિયા પોલીસ સ્ટેશન)
પોલીસે FSLની મદદ લીધી : વાઘોડિયા પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા માટે FSLની મદદ લઈ આ કંકાલ 20થી 25 દિવસ જુનું હોવાનું અનુમાન લગાવ્યું હતું. જોકે ચોક્કસ માહિતી મેળવવા માટે પોલીસે FSLની મદદ લીધી હતી. FSLની ટીમે કંકાલના નમૂના લીધા હતા. તો બીજી બાજુ પોલીસે કંકાલના અવશેષો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. મૃતકનું મૃત્યુ કેવી રીતે થયું તે FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. આ કંકાલ ઉપર પેન્ટ-શર્ટ હોવાથી આ કંકાલ પુરૂષનું હોવાનું મનાય રહ્યું છે. ત્યારે આ કંકાલ ક્યાંથી આવ્યું, કઈ વ્યક્તિનું છે અને તેનાં કારણો કયાં છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
આણંદમાં ઈંટોના ભઠ્ઠામાંથી મળ્યું માનવ કંકાલ, જમીન માલિકને જીવતો સળગાવ્યો હોવાની આશંકા