વડોદરા: સનફાર્મા રોડ વિસ્તારમાં ડમ્પર ચાલકે ગોત્રી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનને ટક્કર મારતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતની આ ઘટનાને લઇ સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડમ્પર દૂર સુધી ઢસડી ગયું: શહેરના ગોત્રી પોલોસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાન લાલભા ઝાલા ભાયલીથી સનફાર્મા રોડ જવાના માર્ગેથી ટુ વ્હીલર લઈ પસાર થઈ રહ્યા હતા. દરિમયાન બેફામ અને ગફલત ભરી રીતે ડમ્પર ચાલકે ડમ્પરને હંકારી પોલીસ જવાનને ટક્કર મારતા પોલીસ જવાન નીચે પટકાયો હતો. ડમ્પરની ગતિ એટલી વધારે હતી કે પોલીસ જવાનને ટક્કર મારતા જ તે નીચે પટકાઈ ડમ્પરમાં આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાને લઇ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ પણ વાંચો: Ahmedabad Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ: શહેરના ભાઈલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઇ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ સહિત 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બેફામ રીતે ડમ્પર હાંકનાર ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇ પોલીસે જવાનની લાશનો કબજો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. અકસ્માત સર્જન ડમ્પર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે રોડ પર ટ્રાફિક વ્યવહાર બંધ કરાયો હતો.
આ પણ વાંચો: Rajkot Crime : લાલપરી નદી કાંઠેથી મહિલાના ટુકડે ટુકડા કરાયેલો મૃતદેહ મળ્યો
દર્દનાક ઘટના સીસીટીવીમાં કેદ: સમી સાંજે બનેલી આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર ઘટનાને લઇ પરિવાર તાત્કાલિક દોડી આવ્યો હતો. પરિવાર પર આભ તૂટી પડતા શોકમાં માહોલ છવાઈ ગયો હતો. સાથે જ વડોદરા શહેર ગોત્રી પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનનું મોત થતા પોલીસ વિભાગમાં પણ ગમગીની ફેલાય છે. હાલમાં પોલીસે સીસીટીવીના આધારે ડમ્પરચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.