વડોદરા : આજના આધુનિક હાઈટેક જમાનામાં છેતરપિંડીના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ કરી લોનની રકમ આપવાના નામે હોટેલમાં બોલાવી છેતરપિંડી આચરનાર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રૂપિયા 20 લાખની મૂડી સામે 12 કરોડની લોન આપવાના નામે છેતરપિંડી આચરનાર 10 આરોપીઓ પૈકી 6 આરોપીની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. આ સાથે રોકડ રૂપિયા 15 લાખ મોબાઈલ નંગ 20 અર્ટિગા ગાડી સહિત કુલ 30.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નકલી મેનેજર નકલી પોલીસ બની માયાજાળ : આ બનાવની વિગત આપતા ACP ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પ્રશાંત નનાવરે પુણે મહારાષ્ટ્રના વતની છે. તેઓ ધંધાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પુણે નજીક વોટર પ્લાન્ટની ખરીદી માટે 12 કરોડની રકમની જરૂરિયાત હોવાથી મિત્રના આધારે આરોપીઓ સાથે પરિચય થયો હતો. મુખ્ય આરોપી રોહિત જાદવ પોતે ફેસબુક પર ફાઇનસ ચલાવે છે તેવી જાહેરાત મૂકી હતી. ત્યારબાદ પરિચય થયો હતો અને ત્યારબાદ ફાઇનસ તરફથી લોનની રકમ સામે 20 લાખ આપવાની વાત થઈ હતી, પરંતુ આ ફાઇનસ મેનેજર અજીત જોશી સાથે મળવું પડશે અને ત્યારબાદ રકમ મળશે. આ મિટિંગ માટેનું સ્થળ વડોદરા નક્કી કરવામાં આવ્યું હતું.
શંકા જતા અસલી પોલીસનો સંપર્ક કર્યો : અર્ટિગા ગાડી લઈ વડોદરા આવવા નીકળેલા આરોપીઓ 1 દિવસ અગાઉ જ આવી ગયા હતા. બાદમાં ફાઈનાન્સના નકલી મેનેજર સાથે શહેરની ખાનગી હોટલમાં મિટિંગ કરી હતી. ફરિયાદીને મોટી રકમ હોવાની વાત કરતા તેઓએ કોથળામાં 12 કરોડ છે, તેવી રીતે બતાવ્યા હતા. પૈસા ન હોવાની શંકા જતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કેમ કે ફરિયાદી પાસે પણ 20 લાખ હતા. આ દરમિયાન સહ આરોપીઓ ડુપ્લીકેટ પોલીસ બનીને ત્યાં એકાએક આવી જાય છે. ત્યારબાદ ફરિયાદીને શંકા જતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેઓ તમામ ફરાર થઈ ગયા હતા. પોલીસે આ તમામ આરોપીઓ જે ગાડી લઈને આવ્યા હતા. તેઓને સીસીટીવી અને અન્ય ટેક્નિકલ સોર્સના આધારે નવસારી પોલીસની સહાયથી તેઓને ઝડપી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Cyber Scam: વર્ક ફ્રોમ હોમના નામે આવતી જાહેરાતોથી ચેતજો, નહીં તો ખિસ્સા થઈ જશે ખાલી
ઝડપાયેલા આરોપીઓ : નાટ્યાત્મક રીતે ફ્રોડ કરી ફરિયાદીને લાલચ આપી ગુનો આચરનાર આરોપી રોહિત ભીમરામ જાદવ (મહારાષ્ટ્ર), દિપક ગુલાબરાય જયસ્વણી (થાણે), અમર ગુલાબરાય જયસ્વાણી (થાણે), યશ હેમરાજ રાવલ (મહારાષ્ટ્ર), નિર્ભયસિંગ કેવલસિંગ હુંજન (નવી મુંબઈ), વિક્રમ વિજય પવાર (વડોદરા) આ તમામ આરોપીઓને સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. આ ગુનામાં ફરાર આરોપી અજીત જોશી, પ્રકાશ ઠાકોર, જય સંતોષે તેમજ અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : Surat Crime : શેર માર્કેટમાં રોકાણની લોભાવણી લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો
કબજે લીધેલો મુદ્દામાલ : આ આરોપીઓ પાસેથી 20 લાખ રૂપિયા લઈ ફરાર થયા હતા. તે પૈકી પોલીસે 15 લાખ રૂપિયા રોકડ, મોબાઇલ ફોન નંગ 20 જેની કિંમત 60,000 સાથે જ અર્ટીગ ગાડી તેની કિંમત 15,00,000 લાખ રૂપિયા સહિત કુલ મળી રૂપિયા 30 લાખ 60 હજાર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આ બનાવમાં ઝડપાયેલા આરોપી અન્ય કોઈ નાગરિક સાથે છેતરપીંડી આચરી છે કે કેમ તે પણ તપાસ ચાલી રહી છે. કોઈ નાગરિક આ આરોપીના સંપર્કમાં આવ્યો હોય તો તે સહેજ પોલીસનો સંપર્ક કરે તેવી પણ પોલીસે અપીલ કરી છે.