વડોદરાઃ રેસકોર્સ વિસ્તારના મેઇન રોડ પરની ફૂટપાથ પર કાચબાને મારીને રાંધતા બે શખ્સો વનવિભાગ અને GSPCએ સંસ્થાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યા હતા.
GSPCને એવી બાતમી મળી હતી કે, રેસકોર્સમાં CNG પેટ્રોલપંપ પાસેની ફૂટપાથ પર બે લોકો ટૂંક સમયમાં જ એક કાચબો માર્યા બાદ તેને રાંધીને ખાવાના છે. બાતમી મળતાં જ GSPCએ.ની ટીમે વન વિભાગને જાણ કરી દીધી હતી.
એક તરફ સ્વૈચ્છિક સંસ્થાની ટીમ પહોંચી જઇને વન વિભાગની ટીમની રાહ જોતી હતી. આ કાર્યકરો કંઇ વિચારે એ પહેલા જ બે યુવકોએ ધારદાર છરાથી કાચબાનું ડોકુ ઊડાવી દીધું અને રાંધવાના ઇરાદે તપેલામાં નાંખી દીધું હતું. જો કે, ત્યારે જ વન વિભાગની ટીમ પણ આવી જતાં આ બન્ને યુવાનોને પકડી લીધા હતા અને તપેલામાં માથુ કપાયેલી હાલતનો કાચબો તથા માછલીના ટુકડા મળી આવ્યાં હતાં.
વન વિભાગે બન્નેને દબોચી લઈને પૂછપરછ કરતા તેમના નામ રવિ ધનજી દેવીપૂજક અને રાજેશ દેવીપૂજક તરીકે તેમની ઓળખ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે બન્નેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે,વન્ય પ્રાણી અધિનિયમન અંતર્ગત કાચબો શિડ્યુઅલ-1નું પ્રાણી છે અને તેને પકડવા માટે કે નુકસાન પહોંચાડવા માટે 25 હજારનો દંડ છે અને જેલની સજાનું પણ પ્રાવધાન છે.