વડોદરા: શહેરમાં પંચાલ પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી. આર્થિક સંક્રમણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ હાલ સામે આવી રહ્યું છે. તો બીજી બાજુ વિગતો મળી રહી છે કે મૃતક મુકેશભાઈ પંચાલને તેમના ભાઈ સાથે વર્ષોથી કોઈ સંબંધ ન હતો. મૃતક નયનાબેનના ભાઈએ કહ્યું કે મને સંપર્ક કર્યો હોત તો હું મદદ કરતો.
આર્થિક સંકળામણથી જીવન ટુંકાવ્યું: શહેરના રાવપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કલાભુવનના પિરામિતાર રોડ પર કાછિયા પોળમાં ભાડાનું ઘર ખાલી કરવાની મહેતલના આખરી દિવસે પંચાલ પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક સંકળામણથી પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. પરિવાર જ્યાં રહેતો હતો તે મકાન એક મહિના પહેલાં વેચી દેવાયું હતું. નવા માલિકે 1 ઓગસ્ટે ઘર ખાલી કરવા જણાવ્યું હતું.
12 કલાકની સારવાર બાદ પિતાનું મોત: આ ચકચારી ઘટનામાં પુત્ર મિતુલ અને નયનાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પેનલ પીએમ કરાયું હતું. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિતુલ અને નયનાબહેનના મૃત્યુના સમયમાં ઝાઝો ફરક ન હતો. ખૂબ નજીકના સમયમાં બંનેનાં મૃત્યુ થયાં હશે અને અડધી રાતે આત્મહત્યા કરી હતી. જ્યારે બચી ગયેલા મુકેશ પંચાલને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 12 કલાકની સારવાર બાદ તેમનું મોત થયું હતું.
" જમાનો અત્યારે મોંઘવારીનો છે. મને અત્યારે ખબર પડી કે હાલમાં તેઓને પૈસાની સમસ્યા હતી. મેં દરેક વખત મદદ કરી હતી. ખબર નહિ આ વખતે મને કેમ ન કીધું કે ભાઈ પૈસાની મારે જરૂર છે, મને કીધું હોત તો હું આપતો. જ્યારે કામ હોય ત્યારે 6 કે 12 મહિને કોલ કરતી હતી અને ઘરનો નંબર કાયમ માટે બીઝી કે બંધ આવતો હતો." - સંજય પંચાલ, મૃતક મુકેશ પંચાલના ભાઈ
" મારા ભાઈના પરિવાર અંગે અમે કશું જાણતા નથી. પંદર વર્ષથી તેઓ અમારી સાથે વાત કરતા નહોતા. મારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યા નહોતા. તેઓ પોતાનું ઘર જ બચાવી શક્યા નથી. છેલ્લે બે ત્રણ દિવસ પહેલા કોન્ટેક્ટ કરેલો પણ કોઈએ કોલ ઉપાડ્યો નથી. હું સુરત રહુ છું અને તે બરોડા, જેથી તેઓના ઘરમાં શુ ચાલતું હતું તેની ખબર ન હોય. એનો છોકરો છેલ્લા બે વર્ષથી કઈ કામ ધંધો કરતો ન હતો." - કલ્પેશ સુથાર, મૃતક નયનાબેનના ભાઈ