વડોદરા :રાજ્ય ચૂંટણીપંચના અધ્યક્ષ સંજય પ્રસાદ અને અધિકારીઓએ વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા/ તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીઓ અંગે વિવિધ રાજકીય પક્ષોના વડોદરા શહેર અને જિલ્લાના અગ્રણીઓની રજૂઆતો વીડિયો કોનફરન્સથી સાંભળી હતી.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કોરોના મહામારીની તકેદારીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના સંકલનથી પ્રથમવાર ધારાસભ્ય ,વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના સ્થાનિક પ્રમુખો અને પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી.
કલેક્ટર કચેરીના વીસી રૂમમાં યોજવામાં આવેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે આ બેઠક યોજવાના હેતુની રૂપરેખા આપવાની સાથે બધાને આવકાર્યા હતા. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય ચૂંટણીપંચના કાર્યવાહકો સાથે વડોદરા મહાનગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની આગામી ચૂંટણીના સંદર્ભમાં નવા સીમાંકન અને બેઠક ફાળવણીને લગતા વાંધા સૂચનો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી. આર. પટેલ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓ અને ત્યારબાદ વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને લગતી ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.