વડોદરા : શહેરમાં ફતેપુરા વિસ્તારમાં થયેલ પથ્થર મારની ઘટનાના આરોપીઓ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામ 23 આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. વડોદરા કોર્ટે 05 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. બે એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય આરોપીઓની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવેશે. 8 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
45 લોકો સામે થઇ નામજોગ ફરિયાદ : વડોદરા શહેરમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસનું સઘન પેટ્રોલિંગ ગોઠવી દેવાયું છે. રામનવમી શોભાયાત્રામાં બનેલી આ ઘટનામાં 45 લોકો સામે નામજોગ ફરિયાદ વડોદરા પોલીસમાં દાખલ થઇ છે અને વધુ કાર્યવાહી કરતાં પોલીસે 23 આરોપીની અત્યાર સુધીમાં અટકાયત કરી લીધી છે. વડોદરામાં શાંતિનો માહોલ બની રહે તે માટે લોકોને અપીલ કરતાં પોલીસ અધિકારી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે બુલડોઝર ફેરવવાવાળી અફવાઓથી દૂર રહેવું જોઈએ.
વડોદરા પોલીસે 23 આરોપીની અટકાયત કરી : વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાના બનાવમાં પોલીસ દ્વારા રાતભર કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ સરકાર તરફે પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સમગ્ર બનાવની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર 45 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત અન્ય 500ના ટોળા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે 23 જેટલા આરોપીઓને હાલ ડીટેઇન કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો Ramnavmi 2023: મર્યાદા પુરૂષોત્તમના પર્વ પર પથ્થરમારો, પોલીસ છાવણીમાં વડોદરા 14ની ધરપકડ
સીસીટીવી કેમેરા સર્વેલન્સ : પોલીસ દ્વારા 300 ઉપરાંતના સીસીટીવી કેમેરા સર્વેલન્સ કરી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં પણ શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં ગઈ કાલે બનેલ પથ્થરમારાની ઘટના બાદ હાલમાં પોલીસની વિવિધ ટીમો ફતેપુરા વિસ્તારમાં હાલમાં પેટ્રોલિંગ કરી રહી છે. શહેરમાં ખેડા જિલ્લાની પોલીસ કાફલો ફતેપુરા ખાતે 50 જવાનોનો ખડકી દેવામાં આવ્યો છે. પથ્થરમારાની ઘટના સંદર્ભે સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં 23 લોકોની અટકાયત કરવામાં આવી છે.
હાલમાં શાંતિ : પોલીસે ફરિયાદી બની પથ્થરમારો અને તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. હાલમાં શહેરમાં છમકલાં બાદ બીજા દિવસે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. હાલમાં જનજીવન રાબેતા બજારો, દુકાનો રાબેતા મુજબ ખુલ્યા છે. પરંતુ શહેરમાં ચાલી રહેલ રમઝાન માસને લઈ કોઈ અન્ય અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલમાં પોલીસ એક્શન મૂળમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત
રિમાન્ડ માટેની માંગણી : આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશ્નર મનોજ નિનામાએ જણાવ્યું હતું કે ગઇકાલે બનેલી ઘટનાને લઈ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઈસમો સામે કાર્યવાહી માટે 6 ડીસીપી સહિતનો કાફલો વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી કરી રહ્યો છે. આ ઘટનાના પગલે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરીને 23 જેટલા ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્ય 22 જેટલા ઇસમોના નામ મળી આવ્યા છે. આ સાથે સીસીટીવી સર્વેલન્સ અને અન્ય સોર્સ મારફતે કામગીરી ચાલુ છે. ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીશું અને રિમાન્ડ માટેની માંગણી કરવામાં આવશે.
લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ : આ ઘટનામાં શામેલ લોકો સામે રાયોટિંગ સહિતની સરકારી કામકાજમાં રુકાવટ સહિતની કલમો લગાવવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે અને જે કોઈની સંડોવણી તપાસમાં સામે આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ. શહેરમાં થયેલા કોમી છમકલાં બાદ બુલડોઝર ફેરવી દેવાની વાતને જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા વખોડી કાઢવામાં આવી હતી અને તેમણે કહ્યું હતું કે આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ તેવી મારી અપીલ છે.