વડોદરા : શહેરમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રી મેડિકલ કોલેજમાં પુત્રના એડમિશન માટે પિતા પાસેથી 65 લાખ રૂપિયા લઈને ચાર ભેજાબાજોએ છેતરપિંડી આચરી છે. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
એડમિશન કરી આપવાની લાલચ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર ગાંધીધામની મંગલસ્મૃતિ ટેનામેન્ટમાં રહેતા રમેશભાઇ મકવાણાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે, તેઓ દોઢ-બે વર્ષ પહેલા ધંધાર્થે અને સગા સંબંધીઓને મળવા માટે ગયા હતા. તે સમયે તેઓની મિત્રતા નીરવ સોની સાથે થઈ હતી. આ દરમિયાન વાતવાતમાં તેમના દીકરાના એડમિશન માટેની વાત નીરવને કરી હતી. ત્યારબાદ નીરવે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સારી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું.
ખર્ચ પેટે 65 લાખ માંગ્યા : ફરિયાદીના અનુસાર નિરવે ઓક્ટોબર 2022માં તેમને ફોન કરીને ગોત્રી મેડિકલ કોલેજના ગેટ ઉપર બોલાવ્યો હતો. તે વખતે નિરવ સોનીએ શ્રેય દેસાઇ અને હિમાંશુ પટેલ ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર છે તેમ કહીને તેમની સાથે ઓળખાણ કરાવી હતી. શ્રેય દેસાઈએ જણાવ્યું હતું કે, મારા પિતાજી ગોવિંદભાઈ દેસાઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અને તેઓની સારી ઓળખાણ છે. તમારા દિકરાનું એડમિશન કરાવી આપશે અને એડમિશનનો ખર્ચ 65 લાખ રૂપિયા થશે.
ત્યારબાદ ફરિયાદીએ એડમિશન માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત બાકી 55 લાખ રૂપિયા એડમિશનની ફીની સ્લીપ મળે પછી આપવાનું નક્કી કર્યું હતું. જેથી ફરિયાદીએ મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારજનો પાસેથી ઉછીના રૂપિયા લઇને 55 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. 23 ડિસેમ્બર 2022ના રોજ નીરવ સોની, હિંમાશુ પટેલ અને શ્રેય દેસાઇને ગોત્રી મેડિકલ કોલેજના ગેટ બહાર 55 લાખ રૂપિયા આપ્યા હતા.-- રમેશભાઈ મકવાણા (ફરિયાદી)
ભેજાબાજોએ વિશ્વાસ જીત્યો : ફરિયાદીએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે મને ત્યાં રોકીને ફી ભરવા જવાનું કહીને ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવારમાં તેઓ આવ્યા અને 4.5 લાખ રૂપિયા ફી ભર્યા અંગેની રિસીપ્ટ મને આપી હતી. જેથી હું વિશ્વાસમાં આવી ગયો હતો. રિસિપ્ટના ઉપરના ભાગે એડમિશન કમિટી ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું. તેનાથી નીચે મારા દિકરાનું નામ અને ગોત્રી મેડિકલ કોલેજ પણ લખ્યું હતું.
આખરે ભાંડો ફૂટ્યો : આરોપીઓએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા દીકરાની એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. 23 ફેબ્રુઆરી 2023 ના રોજ તમારા દીકરાને કોલેજમાં જોઇનિંગ માટે લઇને આવજો. આજે સર્વર બંધ થઈ ગયું છે. જોકે, ત્યારબાદ બહાના કાઢી એડમિશન ન કરાવ્યું કે પૈસા પણ પરત ન આપ્યા. રૂપિયા 65 લાખ પરત આપતા ન હોવાથી 28 માર્ચ 2023 ના રોજ ફરિયાદી અને નિરવ સોની લાલપુરા પ્રાથમિક શાળાના શ્રેયના પિતા ગોવિંદ દેસાઇને મળ્યા હતા. તેઓએ કોઇ વ્યાજબી જવાબ આપ્યો નહોતો.
આરોપીઓ ઝડપાયા : આખરે ફરિયાદી ગોત્રી મેડિકલ કોલેજમાં જઇને તપાસ કરતા દીકરાના એડમિશનની કોઈ પ્રોસેસ ત્યાં થઇ જ નહોતી. જેથી રમેશભાઈએ નીરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ અને હિંમાશુ પટેલ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આ અંગે કાર્યવાહી શરુ કરી હતી. જેમાં ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.