વડોદરાઃ એક ચોરે વડોદરાના બાઈકના શોરુમમાંથી ટ્રાયલ લેવાના બહાને બાઈકની ચોરી કરી છે. શો રુમના નિયમોની એસીતેસી કરીને ચોર બાઈક લઈને ફરાર થઈ ગયો છે. શોરુમ તરફથી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરા શહેરના છાણી રોડ પર બજાજ બાઈકનો એ.એસ. મોટર્સ શોરુમ આવેલ છે. જેમાં એક ચોર ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. ચોરે પોતાની બેગ શો રુમમાં મુકી હતી. જેથી શો રુમના અધિકારીઓને સ્વપ્નેય ખ્યાલ ન આવ્યો કે આ ગ્રાહક ચોર છે અને ટ્રાયલના બહાને બાઈક ચોરી જશે. ચોરે બાઈક ટ્રાયલની વાત કરી હતી. શો રુમ અધિકારીઓ શો રુમની અંદર ટ્રાયલ લેવા દીધી હતી. જો કે થોડીવાર પછી મિકેનિકે શો રુમ અધિકારીને ફોન પર જણાવ્યું કે ગ્રાહક બાઈકની ટ્રાયલ બહાર લેવા માંગે છે. અધિકારીએ તેની પરવાનગી આપી હતી. મિકેનિકને બેસાડીને ચોરે બાઈકની ટ્રાયલ લીધી. શો રુમ પાસે આવ્યા ત્યારે ચોરે મિકેનિકને કહ્યું કે બાઈકમાં કંઈક અવાજ આવે છે તમે નીચે ઉતરીને જૂઓ. મિકેનિક નીચે ઉતર્યો એટલામાં તો ચોરે બાઈક ભગાડી મુકી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. શો રુમ અધિકારીઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
એ. એસ. મોટર્સ શો રુમના સંચાલક જણાવે છે કે ગ્રાહકના સ્વાંગમાં આવનાર ચોરે લીલા રંગનો શર્ટ, બ્લેક પેન્ટ, બ્લેક માસ્ક, ટોપી અને ગોગલ્સ પહેર્યા હતા. દેખાવે વ્યવસ્થિત લાગતો હતો. અમે ટ્રાયલ બાદ તેનું નામ અને સરનામુ નોંધવાના હતા. ટ્રાયલના બહાને ચોરેલી બાઈકની કિંમત 1.27 લાખ રુપિયા છે. આ ચોરે પોતાની બેગ શો રુમમાં મુકી હતી. ચોરી બાદ અમે આ બેગની તપાસ કરી તો તેમાં ચાર કોરા ચોપડા અને પાણીની બોટલ નીકળી છે. અમે આ મામલે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.